આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વના અવસરે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકા પોલીસ વિભાગ વિવિધ શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક તેમજ વેપારી સંસ્થાઓની ભાગીદારીથી અમરેલી શહેરમાં પણ ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 5,000થી વધુ સહભાગીઓ તિરંગો લઈ ‘ભારત માતા કી જય’ના નાદ સાથે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા હતા.
‘તિરંગા યાત્રા’નો પ્રારંભ અમરેલીના રાજમહેલ પરિસરમાંથી થયો હતો. ત્યારબાદ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રાજમહેલ પરિસર ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું. યાત્રામાં હુસૈની સ્કાઉટ અને અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. કલા મહાકુંભ અને યુવા ઉત્સવમાં ભાગ લેનારા કલાકારોએ પારંપારિક વેશભૂષામાં સજ્જ થઈ આ યાત્રામાં જોડાઈ તેમનું યોગદાન આપ્યું હતું. આ અંગે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે. પટેલે જણાવ્યુ હતુ કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલા આ ત્રિવિધ કાર્યક્રમમાં આશરે 5,000 થી વધુ લોકો શહેરીજનો જોડાયા હતા.
કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ સામાજિક સંસ્થાઓ, કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય, ટી.પી. એન્ડ એમ.ટી. ગાંધી વિદ્યાલય, કમાણી ફોરવર્ડ હાઈસ્કુલ, સેન્ટ મેરી હાઈસ્કુલ, જીજીબેન ગર્લ્સ હાઈસ્કુલ, એન.પી. પટેલ હાઈસ્કુલ, કે.કે.પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય લીલાવતી બિલ્ડીંગ, દીપક હાઈસ્કુલ, વિદ્યાગુરુ સાયન્સ સ્કુલ, વિદ્યાસભા સંકુલ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી.ના કેડેટ્સ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો, સ્કાઉટ ગાઈડ, વેપારી મંડળો, સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શહેરના નગરજનો જોડાયા હતા.