અમરેલી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી વરસાદ આવતા કપાસ અને મગફળીના પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી. પરંતુ અવિરત વરસાદ શરૂ રહેતા ખેડૂતોના ખેતરો હવે પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી કામ માટે જઈ શકતા નથી.તો સતત વરસાદને લઈને ખેડૂતોએ 2 વખત કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. હવે સતત વરસાદ આવતા ખેડૂતો મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ભગવાન પાસે પ્રાથના કરી રહ્યા છે.
સારો વરસાદ આવે તો સ્વભાવિક છે ખેડૂતો ખુશ થઈ જાય છે.પરંતુ સતત વરસાદ શરૂ રહેતા ખેડૂતો હવે મુંઝવણમાં મુકાયા છે. મોંઘા ભાવનું બિયારણ, ખાતર તેમજ દવા લઈને ખેડૂતોએ વાવણી કરી હતી ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો વરસાદ થતાં કપાસ અને મગફળીનો પાક સારો થશે. પરંતુ વરસાદના અવિરત અતિરેકને લઈને હવે ખેડૂતોને હાલત કફાડી બની ગઈ છે.વધારે વરસાદને લઈને કપાસ અને મગફળીનો પાક પીળો પડવા લાગ્યો છે.ખેતરોમાં નિંદામણ પણ વધી ગયું છે ત્યારે મેઘરાજા હવે ખમૈયા કરી વિરામ લીધા બાદજ ખેડૂતો ખેતી કામ કરી શકશે તેવું ખેડૂતો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.