સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઇ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. જે આગળ વધતું હોવાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર ગઈકાલે એક નંબરનું સિંગ્નલ લગાવ્યું હતું, તે હટાવી મોડી રાતે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જિલ્લા કલેકટરની સૂચનાથી જાફરાબાદ તંત્ર એલર્ટ થયું છે.
દરિયા કિનારાના ગામડા શિયાળ બેટ, ધારબંદર જાફરાબાદ સહિત ગામડાને એલર્ટ આપવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. જોકે, અહીં માછીમારો અગાવથી જ આવી ચુક્યા છે જેના કારણે માછીમારો અને તંત્રએ પણ રાહત અનુભવી છે, જે રીતે આગાહી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે સાંજના 6 વાગ્યા બાદ અસર વધુ જોવા મળી શકે છે.
અમરેલી સહિત દરિયા કિનારે એકથી બે નંબર સિગ્નલ લગાવી દેવાયા છે અને દરિયા કાંઠે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. માછીમારો દરિયો ન ખેડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જાફરાબાદ મામલતદાર કચેરીમાં વાવાજોડાને લઈ વિવિધ વિભાગ સાથે બેઠકો યોજી તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી રહી છે, તલાટી મંત્રીઓ સીધા સરપંચોના સંકલનમાં રહેશે અને બેઠકો યોજશે.
જાફરાબાદ મામલતદાર જે.એન મહેતાએ જણાવ્યું હતું કે, હાલ કોઈ વરસાદ નથી પરંતુ તંત્ર સાબદુ છે, દરિયા કાંઠાના તમામ ગામડાને એલર્ટ કર્યા છે 2 નંબર સિગ્નલ લગાવેલ છે તમામ પોલીસ સ્ટાફ સરપંચો સાથે બેઠકો યોજી રહ્યા છીએ.