ભેંસવડી ગામના શેત્રુંજી નદીના આરામાંથી ખનીજ-રેતી ચોરી અટકાવવા બાબતે ભેંસવડી ગ્રામ પંચાયત દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવાયો છે. આ પત્રમાં ભેંસવડી ગ્રામ પંચાયતના સરપંચ મંજૂલાબેન ભરતભાઈ ઠુમ્મરે જણાવ્યું છે કે, લીલીયા મોટા તાલુકાના ભેંસવડી ગામને અડીને જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી આવેલી છે. જે નદીના તળીના આરા તરીકે ઓળખાતા કાંઠા પાસેથી તથા રેલ્વેના પુલને અડીને આવેલા બોરાળા જવાના રસ્તા તરીકે ઓળખાતા ખુલ્લા પટમાંથી છેલ્લા ત્રણેક માસથી ધોળે દિવસે બેફામ રીતે લોડરથી ડમ્પર તથા ટ્રેક્ટરમાં ભરીને રાત-દિવસ રેતીની ચોરી થઈ રહી છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર શેત્રુંજી નદીમાંથી ખનીજ-રેતી ઉપાડવા પર સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતાંપણ રેતી-ખનીજ ચોરીની પ્રવૃતિ આચરી ખનીજ ચોર માફિયાઓ દ્વારા સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવી રહ્યું છે. જે અંગે ગ્રામ પંચાયત દ્વારા જે તે વિભાગને ટેલિફોનિક જાણ કરી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ખનીજ ચોરી અટકવાનું નામ નથી લેતી. જેથી સરકારી તંત્ર પણ શંકાના દાયરામાં હોય તેવું અમારૂ માનવું છે. તો બીજી તરફ રેતી ચોરીના કારણે ગામના અનેક ખેડૂતોને તેમની માલિકીની ખેતીની જમીન પર જવા આવવા માટેના રસ્તાઓ ધુળીયા થયા છે. જેને લઈ ખનીજ ચોરો અને ખેડૂતો વચ્ચે અવારનવાર ઘર્ષણ પણ થાય છે. જા ભવિષ્યમાં કોઈ અઘટીત ઘટના બનશે તો તેમાં વહિવટી તંત્ર જવાબદાર રહેશે. જેથી તાત્કાલિક રેતી ચોરી અટકાવી યોગ્ય કરવા પત્રના અંતે જણાવાયું છે.