મળતી માહિતી મુજબ શુક્રવારે (22 જૂન) મોડી રાતે રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક ઉના તરફથી મહુવા બાજુ જઈ રહેલી ટ્રકે કાબુ ગુમાવતા 15 ફૂટના પુલ પરથી નીચે ખાબકતા ટ્રક માં સવાર 60 થી વધુ લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતાં. ઇજાગ્રસ્તોએ સિસિયારી બોલાવી હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો ટ્રકની નીચે દબાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તમામ લોકો મહુવા તાલુકાના જાદરા ગામના રહેવાસી છે અને ઉના તાલુકાના સોખડા ગામે કોળી પરિવારના ત્યાં સગાઈના પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે રાજુલાના નિંગાળા નજીક ગમખ્વાર અકસમાત સર્જાતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.
108 સહીત સામાજિક સંસ્થા અને ત્યાં આવેલ ઔદ્યગિક કંપનીઓ ની 8 જેટલી એમ્બ્યુલન્સ વડે તમામ મૃતદેહો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા. રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોની ટીમો ઘાયલોને સારવાર આપવા દોડી આવ્યા હતા. જેથી કરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી હતી.ઘટના ની જાણ થતા રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય અંબરીશ ડેર સહીત ના લોકો પણ હોસ્પિટલ એ દર્દી અને ઇજાગ્રસ્થો ની મદદ કરવા માટે દોડી આવ્યા અને જરૂરી મદદ કરવા માં આવી હતી. તેમણે આ ઘટના ખુબ જ દુઃખદ ગણાવી હતી.