ભરૂચ જિલ્લા વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, ખાસ કરી આમોદ તાલુકામાં ઉપરવાસમાં પડી રહેલો વરસાદ આફત રૂપિ બન્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, વરસાદના કારણે ઢાઢર નદીમાં નવા નીર આવતા નદીનું જળસ્તર વધ્યું છે, જે બાદ નજીકમાં આવેલ ખેતરો અને કેટલાય માર્ગો ઉપર તેના પાણી ફરી વળ્યા હતા.
આમોદથી પૂરસાને જોડતા માર્ગ ઉપર બે થી ત્રણ ફૂટ જેટલાં પાણી ફરી વળતા પૂરસા ગામમાં અવરજ્વર માટે લોકોને મુશ્કેલી ઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, માર્ગ પર પાણીના કારણે અનેક વાહનો અધવચ્ચે જ ફસાયેલાં નજરે પડ્યા હતા, તો બીજી તરફ ગામ તરફ અવરજ્વર માટેના મુખ્ય માર્ગ ઉપર જ વરસાદી પાણી માટેનો ચોક્કસ નિકાલ ન જણાતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.
ઢાઢર નદીમાં સતત બીજી વખત ચાલુ વરસાદી ઋતુ દરમ્યાન જળ સ્તર વધ્યા છે, જે બાદ નદીનું પાણી હવે મુખ્ય માર્ગો પર આવી રહ્યા છે તેમજ નજીકમાં જ આવેલ ITI માં પણ નદીના પૂરના પાણી પ્રવેશી જતા વિદ્યાર્થી ઓને પણ હાલાકીનો સામનો કરવાની નોબત આવી પહોંચી હતી, કહેવાય છે કે નદીથી દરિયાઈ ખાડી તરફ જતા પાણીનો પ્રવાહ અવરોધઈ જવાનાં કારણે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
દરિયાઈ વિસ્તાર નજીક ખાડી પુરાણના કારણે નદીના પૂરના પાણી એ સ્થળે જ રોકાઈ જાય છે જે બાદ આમોદ, પૂરસા સહિતના આસપાસના ગ્રામજનો માટે નદીનું વધતું જળસ્તર આફત સમાન બનતું હોય છે, તો લોકચર્ચા મુજબ મછાસરા ગામ નજીક ઝીંગા તળાવોના કારણે પણ પાણી અવરોધ રૂપી બનતું હોવાનું કહેવાય રહ્યું છે, ત્યારે શું એ ઝીંગા તળાવ કાયદેસર છે કે પછી ગેરકાયદેસર રીતે ઝીંગા ઉત્પાદન થઈ રહ્યું છે તે મામલે પણ તંત્ર એ તપાસ કરવાની જરૂર છે, અને જો તળાવ નડતર રૂપી અને ગેર કાયદેસર હોય તો તેવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે.