અમેરિકા અને દુનિયાભરમાં પ્રખ્યાત એવા સાન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજ પરથી ભારતીય મૂળના અમેરિકન કિશોરે દરિયામાં છલાંગ લગાવી દીધી. આનાથી તેનું મૃત્યુ થઈ ગયું. બ્રિજ પર તૈનાત યુએસ કોસ્ટ ગાર્ડના જવાનોએ બે કલાકની મહેનત બાદ છોકરાના મૃતદેહને દરિયામાંથી બહાર કાઢ્યો હતો. બાળકના પરિજનોએ ઘટનાની પુષ્ટિ કરી છે.
બાળકે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, જોકે તેણે આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે બ્રિજ પાસે 16 વર્ષના કિશોરની સાયકલ, ફોન અને બેગ મળી આવ્યા છે. સાંજે લગભગ 4.58 કલાકે તેણે બ્રિજ પરથી છલાંગ લગાવી હતી.
ભારતીય સમુદાયના નેતા અજય જૈન ભુતોરિયાના જણાવ્યા અનુસાર, ભારતીય મૂળના વ્યક્તિ દ્વારા આત્મહત્યાની આ ચોથી ઘટના છે. જેમાં એક ભારતીય અમેરિકન કિશોર કથિત રીતે આત્મહત્યા કરવાના ઈરાદે ગોલ્ડન બ્રિજ પરથી કૂદી ગયો હતો. અમેરિકાના એનજીઓ બ્રિજ રેલ ફાઉન્ડેશન અનુસાર, ગયા વર્ષે અહીં 25 લોકોએ આત્મહત્યા કરી હતી. 1937 માં બ્રિજ ખોલવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 2,000 લોકો દ્વારા આત્મહત્યા કર્યાના કિસ્સા નોંધાયા છે. આ NGO સાન ફ્રાન્સિસ્કોના આ વિશ્વ પ્રસિદ્ધ ગોલ્ડન ગેટ બ્રિજ પરથી થતી આત્મહત્યાઓ રોકવા માટે કામ કરી રહ્યું છે.
સાન ફ્રાન્સિસ્કો સરકાર બ્રિજની આસપાસ 1.7 માઇલ લાંબી અને 20 ફૂટ પહોળી લોખંડની જાળી બાંધવાનું કામ કરી રહી છે. આ કામ આ વર્ષે જાન્યુઆરી સુધીમાં પૂરું થવાનું હતું, પરંતુ પ્રોજેક્ટ હજુ અધૂરો છે. પ્રોજેક્ટ પર કામ 2018 માં શરૂ થયું હતું. વિલંબને કારણે તેની કિંમત બમણીથી વધુ થઈ ગઈ છે. ગોલ્ડન ગેટ બ્રિજ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેર અને સાન ફ્રાન્સિસ્કો ખાડીના બંને છેડાને જોડે છે. જ્યારે આ સસ્પેન્શન બ્રિજ 1937 માં બનીને તૈયાર થયો હતો ત્યારે તે વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ હતો. તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.