અમેરિકામાં ખુલ્લેઆમ ગોળીબારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે ફરી એક વાર આવી જ ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યના ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં બુધવારે સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં ઘણા લોકોના મૃત્યુની આશંકા છે. પોલીસે જણાવ્યું કે વર્જિનિયાના વોલમાર્ટમાં મંગળવારે રાતે થયેલા ગોળીબારમાં ઘણા લોકોના મોત થયા છે, જયારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસનું માનવું છે કે એક શૂટર હતો જે પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે. ચેસાપીક પોલીસ પ્રવક્તા એમપીઓ લિયો કોસિંસ્કીએ આ ઘટનાની માહિતી આપી છે.
ઘણા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગોળીબાર સ્ટોર મેનેજરે જ કર્યો હતો. એને પહેલા સ્ટાફ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ વોલમાર્ટની અંદર તપાસ કરી રહ્યા છે કે બીજા કોઈ ઘાયલો છે કે કેમ.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ અહીં રોજ બનતી રહે છે. ગણતરીના દિવસો પહેલા અહીં એક આવી ઘટના બની હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. શનિવારની રાત્રે અમેરિકાની એક LGBTQ નાઇટ ક્લબમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં પાંચના મોતની સાથે જ 18 લોકો ઘાયલ થયા હતા.
અમેરિકામાં સામૂહિક ગોળીબાર અને હત્યાના આંકડા તૈયાર કરતી સંસ્થા ‘ધ ગન વાયોલન્સ આર્કાઇવ’ અનુસાર, 2022માં જુલાઈ સુધીમાં 309 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. આંકડાઓ અનુસાર ચોંકાવનારી વાત એ છે કે આ સામૂહિક હત્યાઓમાં 0 થી 11 વર્ષની વયજૂથના 179 બાળકો અને 12 થી 17 વર્ષની વયજૂથના 670 કિશોરોના મોત થયા છે. ‘ગન વાયોલન્સ આર્કાઇવ’ના રિપોર્ટ અનુસાર, 2021માં અમેરિકામાં 693 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. 2019 માં 417 જગ્યાએ આવી જ ઘટનાઓ બની હતી.