અમેરિકાના ટેક્સાસમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ટેક્સાસના એલન ઈસ્ટ સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પહેલી વખત 10,000 લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો હતો. ભગવદ ગીતા પારાયણ યજ્ઞના શિર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમના દ્રશ્યોએ લોકોને ભાવ વિભોર અને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. સ્ટેજ પર મોટી સ્ક્રીન પર મહાભારતનું દ્રશ્ય બતાવવામાં આવ્યુ હતુ. જેમાં ભગવાન કૃષ્ણ તેમના વિરાટ સ્વરૂપમાં અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપતા નજરે પડ્યા હતા. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવદ ગીતાની રચના થઈ હતી. અર્જુને યુદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણે તેને કર્મ અને ધર્મના સાચા જ્ઞાન વિશે માહિતગાર કર્યો હતો. ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે. ટેકસાસમાં યોજાયેલા ગીતા પાઠના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો.
યુએસમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હતો અને તેની પાછળનો હેતુ અમેરિકામાં લોકોને હિંદુ સંસ્કૃતિની સાથે ગીતા વિશે જાણકારી આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો હતો. અમેરિકામાં 30 લાખથી વધુ હિન્દુઓ રહે છે.