ઘણા વિદ્યાર્થીઓ માટે ગણિત અઘરો વિષય છે. ગણિતનું નામ સાંભળતાં જ વિદ્યાર્થીઓ માથું ખંજવાળવા લાગતા હોય છે. ત્યારે આ ગણિત વિષય સરળ બને અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને તેમાં રૂચિ જાગે તે હેતુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા ખાસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સહયોગથી આ આયોજન કરાયું. જેમાં 100થી જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.
એક દિવસ માટે યોજાયેલા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડોક્ટર ચંદ્રમૌલી જોશી તેમજ કલ્પેશ અખાણી, ધનરાજ ઠક્કર જેવા ગણિતના નિષ્ણાતોએ વૈદિક ગણિતની શું વિશેષતા છે અને તે સરળ રીતે વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવાડી શકાય તે અંગે હેન્ડ્સ ઓન એક્ટિવિટિઝ સાથે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું.
ડો. ચંદ્રમૌલી જોશીએ સાધનો દ્વારા કઈ રીતે ત્રિકોણ બનાવી શકાય અને તેના માટેની શું શરત છે તેના વિશે પ્રાયોગિક માહિતી આપી. તો ધનરાજ ઠક્કરે વૈદિક ગણિત વિશે માહિતી આપીને સરવાળા અને બાદબાકી સરળતાથી કઈ રીતે કરી શકાય તે સમજાવ્યું. કલ્પેશ અખાણીએ ગણિતના ઉપયોગ સાથે મેજીક બોક્સ બનાવ્યા અને વ્યક્તિએ ધારેલી સંખ્યા કઈ રીતે જવાબમાં લાવી શકાય તે અંગે સમજાવ્યું.
સહભાગી થયેલા ગણિતના શિક્ષકોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુજરાત સાયન્સ સિટીની રોબોટિક્સ ગેલેરીમાં જઈને જુદા જુદા પ્રકારના રોબોટ્સ વિશે માહિતી મેળવી તેમજ એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો નિહાળ્યા. જે બાદ તેમણે જણાવ્યું કે દરેક લોકોએ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત એક વાર જરૂર લેવી જોઈએ.