અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ વકરતો જોઈને સરકારે આજે તાત્કાલિક બેઠક બોલાવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની એક બેઠક મળી હતી. આ બેઠકમાં અંબાજી મંદિરના બટુક મહારાજ અને સંત શિરોમણી પણ હાજર રહ્યાં હતાં. હવે સરકારની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, અંબાજીમાં ચીક્કી અને મોહનથાળ એમ બંને પ્રસાદ મળશે.
મંદિર ટ્રસ્ટ અને સરકારની બેઠકમાં પ્રસાદ મામલે વિવાદનો અંત આવ્યો છે. આ બેઠકમાં મોહનથાળ અને ચીક્કી બંને પ્રસાદ ચાલુ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ઘણા બધા ધાર્મિક સ્થળો પર મોહનથાળનો પ્રસાદ પસંદ કરવામાં આવે છે. મંદિરમાં મોહનથાળ અને ચીક્કી બંને પ્રસાદ મળે તેવી વ્યવસ્થા રાખીશું. તેમણે કહ્યું હતું કે, ચીકી બનાવનાર કંપનીને કામ આપવાનો રાજ્ય સરકારનો વિષય નથી. સારામાં સારી એજન્સીને મંદિર કામ આપશે. જેમાં સરકારને કોઈ લેવા દેવા નથી. મંદિરમાં દર વર્ષે મોહનથાળનો કોન્ટ્રાક્ટ રીન્યુ થાય છે. આ અંગે મંદિરના પૂજારી ભટ્ટજીએ કહ્યું હતું કે, માતાજીના રાજભોગના રસોડામાં જે પ્રસાદ થાય છે તે ચાલુ રાખવામાં આવ્યો છે. યાત્રાળુઓની ફરિયાદને કારણે આ નિર્ણય લેવાયો હતો પણ હવે બેઠક પછી નિર્ણય લેવાયો છે કે મોહનથાળ ચાલુ રાખવામાં આવશે અને તેની ક્વોલિટી પણ સુધારવામાં આવશે.
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રસાદ અંગે મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા થઈ છે. ધાર્મિક સંસ્થાના લોકોનું પણ માનવું હતું કે પ્રસાદ રૂપે મોહનથાળ મળે. છેલ્લા 35 વર્ષથી મોહનથાળનો પ્રસાદ મળતો હતો. ચર્ચા બાદ એક ધારી ક્વોલિટી, સારા પેકિંગ સાથે બીજા રાજ્યોમાં મોકલાય તેવી ક્વોલિટીનો પ્રસાદ મળે તેવી વાત હતી. ગુજરાતભરના લોકોની સંતોની માંગણી હતી કે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો. હવે મોહનથાળના પ્રસાદમાં ખાંડ, ઘી, ચણાના લોટનું પ્રમાણ પણ ચોક્કસ રીતે લખવામાં આવશે. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સારામાં સારી કંપનીઓ પાસે સારો પ્રસાદ આપી શકે તે માટે કલેકટર સાથે બેઠક કરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે.