સૌજન્ય-D.B/અમદાવાદ: જીસીએસ હોસ્પિટલમાં 20 દિવસમાં 6 નવજાત બાળકોના મોત નીપજ્યા છે. નિયોનેટલ વોર્ડમાં દાખલ આ બાળકોનું ઇન્ફેક્શનથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જણાવ્યું છે. બીજી બાજુ મૃત્યુ પામનાર બાળકોના પરિવારે શુક્રવારે હોસ્પિટલ પ્રાંગણમાં દેખાવો યોજી જવાબદાર ડોક્ટરોના રાજીનામા અને તેમની સામે પગલા લેવાની માગણી કરી હતી. હોસ્પિટલમાં 22 દિવસ સુધી દાખલ રહ્યા બાદ મોતને ભેટેલી બાળકીના પિતા રિતેશ સોનીએ જણાવ્યું કે, દીકરીને ઇન્ફેક્શન થતા 22 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. જે બાદ તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
બેદરકારીને પગલે મોત થયા હોવાનો પરિવારજનોનો આક્ષેપ
મૃત્યુ પામનાર અન્ય બાળકના પિતા પંકજ પાટિલે જણાવ્યું કે, તેમનું બાળક જન્મ્યુ ત્યારથી જ તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની સાથે તેને ચેપ લાગ્યો હોવાનું જણાવી ડોક્ટરોએ તેને નિયોનેટલ વોર્ડમાં લઈ ગયા હતા. જ્યાં 9 દિવસ રાખ્યા બાદ ડોક્ટરોએ બાળકને સિવિલમાં લઈ જવા જણાવ્યું હતું. સિવિલમાં તપાસ બાદ બાળકને બે દિવસ પહેલા જ હેમરેજ થઈ ગયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. એજ દિવસે રાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. છેલ્લા 20 દિવસમાં હોસ્પિટલની બેદરકારીના કારણે 6 જેટલા બાળકોના મોત નિપજ્યા છે.
ડીને સમાધાન કરવા બોલાવ્યા હતા
મૃત્યુ પામનાર બાળકોના વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શુક્રવારે હોસ્પિટલના ડીન ડો. કીર્તિભાઈ પટેલે તેમને હોસ્પિટલ ખર્ચ પરત આપવાની સાથે સમાધાન માટે બોલાવ્યા હતા. વાલીઓએ જવાબદાર ડોક્ટરો સામે પગલા લવાની સાથે તેમના રાજીનામાની માગણી કરી છે.
બાળકોના મોતથી અમે પણ દુ:ખી છીએ
ઇન્ફેક્શનથી થયેલા બાળકોના મોતથી અમે પણ દુ:ખી છે. ડોક્ટરોની સામે કમિટિ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો તેઓ જવાબદાર હશે તો પગલા પણ લેવાશે. -ડો. કીર્તિ પટલ, ડીન, જીસીએસ હોસ્પિટલ