સૌજન્ય-અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર એમ બે દિવસ ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 30 સપ્ટેમ્બરે રાજકોટ, આણંદ અને કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, જ્યારે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે પોરબંદર ખાતે ઉજવણીના કાર્યક્રમનો શુભારંભ કરાવશે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પીએમ મોદી ત્રણ દિવસમાં બેવાર ગુજરાતના પ્રવાસે આવશે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
પીએમના 30 સપ્ટેમ્બરના કાર્યક્રમો
30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે આણંદ નજીક મોગર ખાતે અમૂલ દ્વારા બનાવવામાં આવેલા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે. જ્યારે આ જ દિવસે તેઓ રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો.
23 ઓગસ્ટે પણ આવ્યા હતા ગુજરાતની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીંથી મોદીએ વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જે અંતર્ગત મોદે 1.15 લાખ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ પણ કરાવ્યો હતો. વલસાડ બાદ જૂનાગઢ ખાતે યોજાયેલા કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ મોદીએ હાજરી આપી હતી. જુનાગઢ બાદ તેમણે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોન્વોકેશનમાં હાજરી આપી હતી. બાદમાં તેમણે ભાજપના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી..