અમદાવાદ:ફોરેક્સ માર્કેટમાં રૂપિયા સામે ડોલર આજે વધુ 24 પૈસા ઉછળતાં રૂપિયો 71.99ના નવા તળીયે બેસી ગયો હતો. જોકે, ઇન્ટ્રા-ડેમાં ડોલર 72ની સપાટી કુદાવી 72.11 પહોંચ્યો હતો. રૂપિયો સતત તૂટતા પેટ્રોલ-ડિઝલની કિંમત નવી ઊંચાઇએ પહોંચી છે. જૂન મહિનાથી અત્યાર સુધીમાં રૂપિયામાં 7 ટકાનો જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં 13 ટકાનો જંગી ઘટાડો આવ્યો છે. ફોરેક્સ નિષ્ણાતોના મત અનુસાર ડોલર આગામી સમયમાં 73-75 સુધી મજબૂત થઇ શકે છે.
નરમાઇના 5 કારણો.
– ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતમાં સતત વૃદ્ધિ
– ઇરાન પાસેથી સસ્તા ક્રૂડની આયાત બંધ
– યુએસ-ચાઇના ટ્રેડ વોરથી ટેરિફમાં વધારો
– રાજકોષિય ખાધમાં વધારાની દહેશત
– FPIની ભારતમાંથી 28 કરોડ ડોલરની વેચવાલીને કારણે પણ ફટકો પડ્યો.
રૂપિયો 74 થઇ શકે તેવા સંકેત
ડોલર સામે રૂપિયો ઝડપી 72.50 અને ત્યાર બાદ 74 સુધી પહોંચી શકે છે. એક્સચેન્જ રેટ મુજબ હજુ રૂપિયો 77-78 પહોંચે ત્યાં સુધી મોટી નુકસાની નથી. આ ઉપરાંત ઇમર્જિંગ માર્કેટમાં અન્ય દેશોની કરન્સી ડોલર સામે સરેરાશ 25 થી 50 ટકા સુધી તૂટી છે. તેની સામે રૂપિયો 13 ટકા જ ઘટ્યો છે આમ જોતા અન્ય દેશોની તુલનાએ રૂપિયાની વેલ્યુ ઉંચી છે. -અસ્પી ભરૂચા, વાડીલાલ ફોરેક્સ એડવાઇઝર.
અમદાવાદમાં મેટ્રો જેટલા પેટ્રોલના ભાવ
લોકોને સીધી અસર કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા ભાવ વધારા વચ્ચે હવે અમદાવાદમાં સૌપ્રથમવાર પેટ્રોલનો ભાવ રૂ. 79.20 પૈસાને પાર કરી ગયો છે. ગત વર્ષે પેટ્રોલનો ભાવ 79 રૂપિયાની નજીક પહોંચ્યો હતો અને પાછળથી તેમાં ઘટાડો થયો હતો જો કે આ વખતનો ભાવ 79 ને પણ પાર કરી 48 પૈસાના વધારા સાથે રૂા.79.20 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 78.72 પૈસાની આસપાસ રહ્યો છે તેમાં થોડા સમય પહેલા ઘટાડો થયો હતો. જો કે આ પરિસ્થિતિ લાંબો સમય ચાલી નથી.
દરમિયાન ગુરુવારે કેન્દ્ર સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલા નવા ભાવમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 78.72 થી વઘીને રૂ. 79.20 પર પહોચ્યો છે. શુક્રવારથી આ નવો ભાવ અમદાવાદમાં અમલી બનશે. આ અગાઉ અમદાવાદમાં આવો ભાવ વધારો એક વર્ષ પહેલા આવ્યો હતો જેમાં પેટ્રોલનો ભાવ રૂા. 79 પર પહોંચ્યો હતો. જો કે આ વખતે ભાવ વધીને 79ના આંકડાને પણ પાર કરી 79.20 પર પહોંચી ગયો છે.
મોડીરાતે અમદાવાદના પેટ્રોલપંપો પર નવા ભાવવધારાની જાહેરાતો જોઈ સંખ્યાબંધ નાગરીકો પોતાના વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે દોડી ગયા હતા. નાગરીકોમાં આ ભાવવધારા સામે રોષ જોવા મળતો હતો. અમુક વાહનચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો ભાવ અંકુશમાં રાખવો જોઈએ.
10મીએ મોંઘાં ઈંધણ સામે કોંગ્રેસનું બંધ
પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતના વિરોધમાં કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણવીર સુરજેવાલાએ ગુરુવારે અગાઉ રૂપિયો નબળો પડવા અંગે ભાષણ આપનારા મૌન થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ દ્વારા કરાઈ રહેલી લૂંટ સામે દેખાવ યોજાશે. અશોક ગેહલોતે કહ્યું કે, સરકારને ઊંઘમાંથી ઊઠાડવા બંધનું એલાન અપાયું છે…સૌજન્ય DB