અમદાવાદઃ પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના નિષ્ણાત અને એક્યુપ્રેક રિસર્ચ લેબ્સના સલાહકાર બોર્ડના અધ્યક્ષ પદ્મીન બુચ તેમજ સંલગ્ન કોલેજ સાલ ઈન્સ્ટીટ્યુટને આઈપીઆર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન તરફથી યોજવામાં આવેલા આઈપી ફેસ્ટ 2018 અંતર્ગત આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાલ કૉલેજ વતી આ એવોર્ડ સંસ્થાના ડિરેક્ટર અને જીટીયુના બીઓજી સભ્ય ડૉ. રૂપેશ વસાણીએ સ્વીકાર્યો હતો.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ)નવીન શેઠે પદ્મીન બુચ અને સાલ કૉલેજને અભિનંદન આપતા કહ્યું હતું કે જીટીયુ તરફથી આઈપીઆર અને પેટન્ટને લગતા વિવિધ કોર્સ પણ શરૂ કરવામાં આવેલા છે. યુનિવર્સિટીના સઘન પ્રયાસોને પરિણામે જીટીયુ અને સંલગ્ન કૉલેજોના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો તરફથી આશરે ૩૫૪ પેટન્ટ માટેની અરજીઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંશોધનકારો અને સ્ટાર્ટ અપને આઈપીઆર અને ઈનોવેશનને લગતી વિગતવાર જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા પણ જીટીયુ તરફથી કરવામાં આવી છે.
સમારોહમાં એવોર્ડ સ્વીકારતી વખતે બુચે પોતાના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે સ્પર્ધાના જમાનામાં સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો શરૂ કરનારા ઉદ્યોગ સાહસિકો અને એમએસએમઈ એકમોના માલિકો માટે ઈનોવેશન કરતા રહેવું આવશ્યક બની ગયું છે. આવા સંજોગોમાં ઈનોવેટીવ પ્રોડક્ટ કે સર્વિસને ટકાવી રાખવા પેટન્ટ અને કોપીરાઈટ પણ એટલું જ અગત્યનું બની ગયું છે. એટલા માટે જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા પર વધુને વધુ ભાર મૂકી રહી છે. જીટીયુએ આ કારણસર જ પેટન્ટ વિશે ખાસ કોર્સ શરૂ કર્યા છે અને જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજે છે. એક્યુપ્રેક રિસર્ચ લેબ્સના મેનેજીંગ ડિરેક્ટર મુળુભાઈ કંડોરીયાએ બુચને આ એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં એમએસએમઈ એકમો માટે પેટન્ટ જનજાગૃતિના કાર્યક્રમો યોજવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો.
વસાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં પેટન્ટ અને કોપીરાઈટ વિશે જાગૃતિ લાવવા અમે તાજેતરમાં એક જ દિવસમાં 162 પેટન્ટ દાખલ કરીને વિશ્વ વિક્રમ સર્જવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં નવાઈની વાત એ હતી કે સી.એન. વિદ્યાલયમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા બે નાનકડા વિદ્યાર્થીઓ પણ પેટન્ટ અરજી દાખલ કરવાની પ્રક્રિયામાં સહભાગી થયા હતા, બાકીના વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગ કૉલેજના હતા.