અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે 12 દિવસ થયા. સરકાર હાર્દિક પટેલના અનામત અને ખેડૂત દેવા માફી બંને મુદ્દા વિશે વિચાર પણ નથી કરતી. આજે બપોર બાદ પાસના નેતા મનોજ પનારાએ હાર્દિક વતી મીડિયા સાથેની વાતચીત દરમિયાન આક્રોશભેર જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનના 12 દિવસના ઉપવાસ બાદ પણ સરકારના પેટનું પાણી ય નથી હલતું. જાડી ચામડીની સરકાર જાણે ઈચ્છી જ રહી છે કે હાર્દિક પટેલ ઉપવાસી છાવણીમાં જ મૃત્યુ પામે.
મનોજ પનારાએ વધુ જણાવ્યું હતું કે અલ્પેશ કથિરીયા જેલમાં જ સબડે જેથી પાટીદાર સમાજ નબળો પડે અને સરકાર સામે માથું ઉંચકવાની કદી કોઈ હિંમત જ ન કરી શકે. છેલ્લાં 12 દિવસથી ઉપવાસ પર ઉતરેલો હાર્દિક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે સરકારને ઢંઢોળવાનો અમારો પ્રયાસ છે. હાઇકોર્ટમાં સરકારે રજૂ કરેલા જવાબ પ્રમાણે એવું લાગે છે કે સરકારને હાર્દિકની કે તેણે ઊઠાવેલા ગુજરાતના પ્રાણપ્રશ્નોની કશી ચિંતા જ નથી.
સરકાર નિર્ણય નહીં લે તો હાર્દિક જળત્યાગ કરશે
જો સરકાર બે દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લે તો હાર્દિક પાણીનો ત્યાગ કરશે અને જે પરિણામ આવશે તેના માટે સરકાર જવાબદાર રહેશે. હાર્દિકની માંગ ગુજરાતના બેરોજગાર યુવાનો અને ખેડૂતોના માથે ચડી ગયેલા વાળ જેટલાં તોતિંગ દેવાના અનુસંધાન છે. છતાં ય સરકાર આવી જ નિંભરતા દાખવશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે…સૌજન્ય