અમદાવાદ : નવરાત્રી શરૂ થવાને આડે હવે એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ગરબાની તૈયારી કરી રહેલી રાજપથ અને કર્ણાવતી ક્લબ હવે માત્ર મેમ્બર માટે ગરબા કરશે. પાર્કિંગ મુદ્દે તંત્ર દ્વારા કોઇ છૂટછાટ ન અપાતાં આખરે ક્લબ પોતે ગરબાનું આયોજન કરી રહી છે. જેમાં ક્લબના મેમ્બર અને તેમના ગેસ્ટને માત્ર એન્ટ્રી અપાશે. આ માટે ક્લબ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત પ્રાઇવેટ કેબ કંપનીઓ સાથે ટાઇઅપ કરાઈ રહ્યું છે.
રાજપથ મેમ્બરને લાવવા-લઈ જવા પ્રાઈવેટ કેબ સાથે ટાઈઅપ કરશે
હાઇકોર્ટના કડક વલણ બાદ અમદાવાદ પોલીસ-કોર્પોરેશને ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા માટે મેગા અભિયાન હાથ ધર્યું છે. જેથી પાર્કિંગના મુદ્દે રાજપથ ક્લબને સીલ મરાયું હતું. ત્યારે સૌથી મોટો પ્રશ્ન કર્ણાવતી અને રાજપથ ક્લબમાં ગરબાને લઇને હતો. આયોજકો અને ક્લબ વચ્ચે અનેક વખત મિટિંગો થઇ પરંતુ તંત્ર દ્વારા કોઇ બાંધછોડ ન થતાં આખરે ક્લબે પોતાના મેમ્બર માટે ગરબાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. બન્ને ક્લબોમાં જાહેર જનતા ગરબા રમવા નહીં જઇ શકે. ક્લબમાં પાર્કિંગની વ્યવસ્થા માટે હાલમાં આજુબાજુના પ્લોટ ભાડે લેવામાં આવ્યા છે. રાજપથ ક્લબમાં હાલમાં પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત બાજુના પ્લોટ ભાડે લેવામાં આવી રહ્યાં છે. ઉપરાંત ક્લબના મેમ્બરોને ક્લબ દ્વારા કાર શેરિંગ તેમજ પ્રાઇવેટ કેબથી આવવા માટે સમજાવાઈ રહ્યા છે.
અન્ય ક્લબોમાં ગરબાનું આયોજન
– વાયએમસીએ ક્લબ : તમામ દિવસ ગરબા થશે અને પાર્કિંગની વ્યવસ્થા ક્લબ ઉપરાંત ક્લબની પાછળનો પ્લોટ ભાડે લેવાયો છે.
– સ્પોર્ટસ ક્લબ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તે માત્ર બે દિવસ ક્લબના મેમ્બરો માટે જ હશે.
– ક્લબ-અો સેવન : ક્લબના મેમ્બર અને ગેસ્ટ માટે છેલ્લા ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યું છે.
– રાઈફલ ક્લબ : 13 ઓક્ટોબર મેડિકલ એસો, 14 ઓક્ટોબરે ક્લબના અને 15 ઓક્ટોબર બેંક ઓફ બરોડાના ગરબા છે.
– નારાયણી ક્લબ : ક્લબના ત્રણ દિવસ અને બાકીના દિવસોમાં અન્ય સંસ્થાઓના ગરબાનું આયોજન કરાયું છે. ક્લબમાં 600 કારનું પાર્કિંગ ઉપરાંત દર વર્ષની જેમ ક્લબની બાજુમાં એક હજાર કાર પાર્ક થઈ શકે તે માટે પ્લોટ ભાડે લેવામાં આવશે.
માત્ર સભ્યો માટે જ આયોજન કરાશે
ક્લબમાં માત્ર ક્લબના સભ્યો માટે ગરબાનું આયોજન કરવામાં આવશે. ક્લબના પાર્કિંગ માટે ક્લબની નજદીકના પ્લોટ ભાડે લેવામાં આવશે. આ ઉપરાંત પ્રાઇવેટ કેબ સાથે ટાઇઅપ કરાઈ રહ્યું છે કે તેઓ ક્લબના મેમ્બરોને લાવવા અને લઇ જવાની વ્યવસ્થા પૂરી પાડશે. – જગદીશ પટેલ, પ્રેસિડેન્ટ, રાજપથ ક્લબ
ક્લબ નજીક પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ
પાર્કિંગના કારણે માત્ર મેમ્બરો માટે ગરબાનું આયોજન કરાયું છે. જેમાં ક્લબના એક મેમ્બરને પાંચ ગેસ્ટ લાવવાની પરવાનગી અપાશે. ઉપરાંત ક્લબમાં પાર્કિંગને લઇને ક્લબની નજીક પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. – જયેશ મોદી, પ્રેસિડેન્ટ, કર્ણાવતી ક્લબ
સૌજન્ય-DB