સૌજન્ય/અમદાવાદ: 31 ઓક્ટોબરે સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ થવાનું છે. સરદાર પટેલની મહિમાના ગુણગાન ગાવા રાજ્યભરમાં સરકારે ‘અેક્તા યાત્રા’નું આયોજન કર્યું છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલી સરદાર પટેલની પ્રતિમા નિશંકપણે દેશ માટે ગૌરવનું પ્રતીક છે. પરંતુ શહેરમાં સરદારની યાદ અપાવતા ભીંત ચિત્રોની ઉપેક્ષા સેવવામાં આવે છે. આસ્ટોડિયા ઢાળની પોળ બહાર મેઈન રોડ પર સરદારના મુખ પરની ડિઝાઈન ઉખડી ગઈ છે અને બરાબર નીચે કચરા પેટીની લારી ખડકી દેવામાં આવી છે.
અહીં ફૂટપાથ પર દબાણો પણ થાય છે. ઉસ્માનપુરા અંડરપાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ નામ લખ્યું છે તેમાંથી કેટલાક અક્ષર ઉખડી ગયા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઉત્સવના ઉન્માદમાં આવી નાની નાની બાબતોની જાળવણી રાખવાની ગંભીર ચૂક થઈ છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને સરદાર પર ત્રણ ભાષામાં લખાયેલું પુસ્તક વહેચ્યું છે. પરંતુ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, સરદાર પટેલના માતા વિશે અમારી પાસે કશી નોંધપાત્ર માહિતી નથી. સરકારી તંત્રની આવી લાલિયાવાડીને લીધે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણ માટે યોજાઈ રહેલા અત્યંત ભવ્ય કાર્યક્રમને ઝાંખપ લાગે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આવી નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેવી અપેક્ષા વધુ પડતી નથી.