સૌજન્ય/અમદાવાદ: અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી માટે યુનેસ્કોની ભલામણના દોઢ વર્ષ પછી આખરે કોર્પોરેશને હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન માટે દિલ્હીની નેશનલ ઈિન્સ્ટટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સાથે એમઓયુ સાઈન કર્યા છે. એમઓયુ મુજબ 18 મહિનામાં જ કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરશે અને આ માટે મ્યુનિ. કંપનીને 6.28 કરોડની ફી ચૂકવશે. અગાઉ આ કંપનીએ આઠ કરોડનો પ્રસ્તાવ રજૂ કરી ત્રણ વર્ષનું આયોજન આપ્યું હતું. હવે મધ્ય ઝોનમાં હેરિટેજ બિલ્ડિંગોની આસપાસ ગેરકાયદે દબાણો રોકવા ડેડીકેટેડ વિજિલન્સ સ્કવોડની રચના કરાશે.
ત્રણ સભ્યોની સમિતિ હેરિટેજ મકાનોનું ઈન્સ્પેક્શન કરી અનઅધિકૃત ફેરફારો અટકાવશે
મંગળવારે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક કમિશનર વિજય નેહરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં હેિરટેજ કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરવા અંગેના એમઓયુ સાઈન કરી વિગતવાર આયોજન વિશેની ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી આ મામલે મ્યુનિ.હેરિટેજ વિભાગ અને સંસ્થા વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી પરંતુ તેમાં કંપનીએ આપેલી પ્રપોઝલ અને ફી અંગે અસમંજસતા હોવાના કારણે એમઓયુ થતા ન હતા. કન્ઝર્વેશન પ્લાનમાં લોકલ એરિયા પ્લાન હેરિટેજ ઈમારતોની જાળવણી અને તેના ડેવલપમેન્ટને લગતા વિવિધ મુદ્દા આવરી લેવાશે તેમ કમિશનર નેહરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ‘હેરિટેજ ઈમારતોની જાળવણી માટે મધ્ય ઝોનના ડેપ્યુટી ટીડીઓની દેખરેખ હેઠળ વિજિલન્સ ટીમ બનાવાશે. જેમાં ત્રણ સભ્યોની નિયુકિત કરાશે. તેઓ માત્ર હેરિટેજ મકાનોનું જ ઈન્સ્પેકશન કરશે અને અનઅધિકૃત ફેરફારો અટકાવશે.’
માત્ર છ TDR ઈશ્યૂ, હવે સેવા સેતુ કાર્યક્રમ
હેરિટેજ મકાનોની જાળવણી માટે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ સર્ટિફિકેટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે. કોટ વિસ્તારમાં કુલ 2600 હેરિટેજ મિલ્કતો છે. પણ આમાંથી માંડ 6 મિલ્કતો માટે ટીડીઆર પ્રમાણપત્ર ઈસ્યુ થયા છે. વધુમાં વધુ પ્રમાણપત્ર ઈસ્યુ થાય તે માટે હવે મ્યુનિ. હવે લોકમેળાનું આયોજન કરશે અને ટીડીઆર બાબતે જરૂરી જાગૃતિ અને માર્ગદર્શન આપશે.
કન્ઝર્વેશન પ્લાનમાં આ બાબતો હશે
– હેરિટેજ મિલ્કતોનંુ જતન અને આયુષ્ય ચકાસશે
– મિલ્કતધારકો સાથે સમજૂતિ
– લોકલ એરીયા પ્લાનિંગ
– ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ સ્પેસ, રોડ ડિઝાઈન
– ડિઝાસ્ટર મેનેજન્ટ, ફાયરની વ્યવસ્થા, જાળવણી માટે વર્કશોપ