સૌજન્ય/અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો તેમના પર જરા પણ કંટ્રોલ રહ્યો નહીં હોવાની ચોંકાવનારી ઘટના રવિવારે મોડી રાતે શાહપુરમાં બની હતી, જેમાં ખુલ્લી તલવારો સાથે સામસામે ધસી આવેલાં બુટલેગરોના બે જૂથે હુમલો કરી બે બાઈક સળગાવ્યાં હતાં. આ બંને જૂથ લાંબા સમયથી દારૂનો ધંધો કરતા હોવાથી તેમની વચ્ચે વર્ચસ્વ જમાવવા લડાઈ ચાલી રહી હતી. બંને જૂથના લોકો એકબીજાની બાતમી આપીને દારૂ પકડાવતા હતા.
બે દિવસ પહેલાં પોલીસે બુટલેગરને 4 પેટી દારૂ સાથે પકડ્યો હતો, જેમાં સામેવાળાએ બાતમી આપી હોવાની શંકાથી હુમલો કરાયો હતો, પોલીસે 3 બુટલેગરની ધરપકડ કરી
શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી મોઢવાડાની પોળમાં રહેતો પાર્થ ઉર્ફે બબલુ ઉર્ફે પોપટ કૌશિલ પંચાલ વર્ષોથી શાહપુરમાં દારૂનો ધંધો કરે છે. જ્યારે સામે મહેશ ઉર્ફે જગત અંબાલાલ પ્રજાપતિ પણ દારૂનો ધંધો કરે છે. આ બંને બુટલેગર વચ્ચે શાહપુર વિસ્તારમાં દારૂનો ધંધો કરવા માટે હરીફાઈ ચાલી રહી હતી. ભૂતકાળમાં બંને બુટલેગરોએ એક બીજાના દારૂના જથ્થા વિશે બાતમી આપીને દારૂ પકડાવ્યો પણ હતો. જ્યારે 2 દિવસ પહેલાં શાહપુર પોલીસે 4 પેટી દારૂ સાથે પાર્થની ધરપકડ કરી હતી.
જોકે જગતે પોલીસને બાતમી આપીને પાર્થનો દારૂ પકડાવ્યો હોવાની અદાવત રાખીને પાર્થે રવિવારે રાતે જગત સાથે ઝઘડો કર્યો હતો, જેમાં બંને ખુલ્લી તલવાર લઇને આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ ઘટનાથી રહીશોમાં નાસભાગ મચી હતી. એટલું જ નહીં બંને બુટલેગરોના માણસો પણ દોડી આવતા તેમની વચ્ચે મારામારી થઇ હતી, જેમાં બે બાઈકને આગ ચાંપી સળગાવી દેવાયાં હતાં.
આ ઘટનાની જાણ થતા શાહપુર પોલીસ આવી પહોંચી હતી, પરંતુ બંને બુટલેગરોએ ફરિયાદ કરવાની ન પાડી દીધી હતી. આથી શાહપુરના પીઆઈ આર.કે.અમીને સરકાર તરફી ગુનો નોંધી જગત પ્રજાપતિ તેનો સાળો પ્રતીક ઉર્ફે ઘેંટિયો અને ભાઈ પાપૂડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બુટલેગરોએ ફરિયાદ ન કરી
બંને બુટલેગરો વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં દારૂના કેસ થયેલા છે, તેમ જ કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે આ બુટલેગરોને સાઠગાંઠ હોવાથી હુમલા તેમ જ બાઈક સળગાવવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી, પરંતુ સોમવારે રાતની આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. તેના કારણે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. જોકે આ હુમલામાં બુટલેગર પોપટનો ભાઈ પણ સામેલ હતો, પરંતુ પોલીસે કાગળ પર તેનું નામ લખ્યું નથી, તેમ જ પોપાટની પણ ધરપકડ કરી નહીં હોવાનો આક્ષેપ સામા પક્ષ દ્વારા કરાયો છે.