સૌજન્ય/અમદાવાદ: રેડ એફએમના આરજે દ્વારા લોકો ઉપર ફેંકવામાં આવેલી ગરબાની સીડી સવા ચાર વર્ષના બાળકને આંખની નીચે વાગી હોવાની ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ કરી છે. ઘટના સમયે ધ્રુમિલ ગુજરાતમાં હાજર નહીં હોવાથી તેને પોલીસે ક્લીનચીટ આપી છે, તેમ જ બેદરકારી અને મદદગારીની કલમો પણ ઉમેરી છે.
ગરબાની સીડી ફેંકતા બાળકને આંખે થયેલી ઈજાનો મામલો
રેડ એફએમ દ્વારા નવરાત્રીમાં સિંધુભવન રોડ પર આવેલા માહી પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં12 ઓક્ટોબરે ભાવેશ ઝાલાવાડિયા પત્ની આરતી અને સવા ચાર વર્ષના દીકરા અર્થને લઇને ગયાં હતાં. લગભગ 11.30 વાગ્યે રેડ એફના આરજે સ્ટેજ ઉપર આવ્યા હતા અને તેમણે ગરબા બંધ કરાવીને તમામ લોકોને સ્ટેજ પાસે ભેગા કર્યા હતા. ત્યારબાદ તેમના ગરબાની પ્રસિદ્ધિ માટે તૈયાર કરાવડાવેલી સીડીઓ લોકો ઉપર ફેંકી હતી. જેમાંથી એક સીડી અર્થને ડાબી આંખની નીચે વાગી હતી. આ અંગે ભાવેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ કલ્પેશ પટેલે સોમવારે બપોરે 3.10 વાગ્યે ચારેય આરજેની ધરપકડ કરી હતી. તેમને સાંજે 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરાયા હતા.
વધુ બે કલમો ઉમેરવામાં આવી
માહી પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજ પોલીસે એકત્રિત કર્યા હતા. જેમાં અર્થને સીડી વાગી હોવાની ઘટના દેખાય છે. પરંતુ કોણે ઉડાવેલી સીડી વાગી તે સ્પષ્ટ થઇ શક્યું નહીં હોવાથી ચારેય આરજેની ધરપકડ કરવામાં આવી છે. જેથી આ કેસમાં મદદગારી અને બેજવાબદારી ભર્યા કૃત્ય અંગેની 2 કલમ ઉમેરવામાં આવી છે.
એક આરજેને ક્લીનચીટ અપાઈ
12 ઓક્ટોબરે રાતે આ ઘટના બની તે દિવસે સાંજે ધ્રુમિલ 5.55 વાગ્યાની ફ્લાઈટમાં મુંબઈ ગયો હતો અને તે રાતે તે મુંબઈમાં જ રોકાયો હતો. જેના પુરાવા તરીકે તેણે ફ્લાઈટનો બોર્ડિંગ પાસ, હોટલના બુકિંગ તેમજ ચેક ઈન, ચેક આઉટ એન્ટ્રી તેમજ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હતા. જેના આધારે તેને ક્લીનચીટ અપાઇ છે. – કલ્પેશ પટેલ, પીએસઆઈ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન