સૌજન્ય/અમદાવાદ: પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટે લગાવેલી ફટકાર બાદ મ્યુનિ. કોર્પોરેશન અંદાજે 180 કરોડના ખર્ચે શહેરના ત્રણ વિસ્તારોમાં મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા જઇ રહી છે. પ્રહલાદનગર, સિંધુભવન અને ચાંદલોડિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં બનવા જઇ રહેલા આ પાર્કિંગમાં કેટલોક ભાગ દુકાનો અને ઓફિસો બનાવવામાં કરવામાં આવશે, જેને વેચીને મ્યુનિ. પાર્કિંગ બનાવવામાં થયેલો ખર્ચ વસૂલ કરશે.
ત્રણેય પાર્કિંગ ચારથી પાંચ માળના હશે, ઓફિસો-દુકાનો વેચીને બિલ્ડિંગનો ખર્ચ સરભર કરાશે
અહીં રૂ. 63 કરોડના ખર્ચે પ્રહલાદનગર ગાર્ડનની સામે અને રૂ. 40 કરોડના ખર્ચે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે જ્યારે, રૂ. રૂ. 80 કરોડના ખર્ચે સિંધુભવન એરીસ્ટા કોમ્પ્લેક્સની બાજુમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. જો કે હાલ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિમાયેલા કનસ્લટન્ટ દ્વારા કેટલા માળના પાર્કિંગ બનાવવા અને એક પાર્કિંગમાં કેટલા વાહનો પાર્ક કરી શકાશે તે અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. પરંતુ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ચારથી પાંચ માળનું પાર્કિંગ બનાવવામાં આવશે જેનું કામ બે વર્ષમાં પૂરુ કરવામાં આવશે. અહીં પાર્કિંગ બનાવવા થતા રૂ. 180 કરોડના ખર્ચને મ્યુનિ. કોર્પોરેશન પાર્કિંગમાં બનાવેલી ઓફિસો અને દુકાનો વેચીને સરભર કરશે. તેમજ ત્યાર બાદની આવક પાર્કિંગના ટેન્ડર બહાર પાડીને મેળવશે.
શહેરમાં વ્હીકલનો ગ્રોથ 17%
અમદાવાદમાં વ્હીકલની સંખ્યામાં થતાં ઉત્તરોત્તર વધારાથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ચિંતાજનક સ્થિતિએ પહોંચી છે. શહેરમાં ટુ વ્હીલર, ફોર વ્હીલરના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક 17 ટકાનો ગ્રોથ છે. વધતી જતી પાર્કિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મ્યુનિ.હવે ઓન સ્ટ્રીટ પાર્કિંગ પોલિસી અમલમાં લાવી રહી છે. સંખ્યાબંધ સ્થળોએ મ્યુનિ.એ આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જયારે નવા કેટલાક પાર્કિંગ પ્લોટ પણ મ્યુનિ.એ પોતાની માલિકીના પ્લોટમાં શરૂ કર્યા છે. જો કે, આ પ્લોટમાં પાર્કિંગ નહીંવત પ્રમાણમાં થઈ રહ્યું છે.
કાંકરિયા પાર્કિંગ ફ્રી છે છતાં ખાલીખમ
મ્યુનિ.એ સૌ પ્રથમ કાંકરિયા ખાતે ઓટોમેટીક મલ્ટિલેવલ પાર્કિંગ શરૂ કર્યું હતુ. 28 કરોડના ખર્ચે આ પાર્કિંગ તૈયાર કર્યું હતુંુ. બન્યું ત્યારથી અત્યારસુધી આ પાર્કિંગમાં વાહનો જ પાર્ક નહીં થતા તેનો કોન્ટ્રકટરે પણ કોન્ટ્રાકટ છોડી દીધો હતો. દરમિયાનમાં હાઈકોર્ટે પાર્કિંગ સામે લાલ આંખ કર્યા બાદ મ્યુનિ.એ લોકો માટે આ પાર્કિંગ ફ્રી કરી દીધું હતું. નવંુ ટેન્ડર ન આવે ત્યાં સુધી આ પાર્કિંગ ફ્રી રાખ્યું છે છતાં રાખવામાં આવ્યુ છે છતાં હજુ ગણ્યાગાંઠયા વ્હીકલો જ અહીં પાર્ક થાય છે.