સૌજન્ય/અમદાવાદ: મૂળ રાજકોટના પરંતુ થોડા સમય માટે લંડન ગયેલા એક યુવાને તેના રૂમ પાર્ટનરના ફોટાનો દુરુપયોગ કરી ખોટા નામે ફેસબુક અન્ય સોશિયલ મીડિયા સાઈટોમાં પોતે વિદેશમાં રહે છે તેવી છાપ ઊભી કરી મહિલાઓને લગ્ન કરવાની લાલચ આપી 75થી વધુ મહિલા સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજકોટથી આરોપીની ધરપકડ કરી હતી.
એસીપી જે. એસ. ગેડમે જણાવ્યું કે, લંડનમાં રહેતા મૂળ અમદાવાદના એક યુવાને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી કે, કોઈ અજાણી વ્યક્તિ તેના ફોટાનો ઉપયોગ કરી પ્રશાંત પંડ્યા નામથી ફેસબુક અને વોટ્સએપમાં મહિલાઓ સાથે વાતચીત કરી પોતે લંડનમાં રહેતો હોવાનું અને સારી એવી કમાણી કરતો હોવાનું કહી લગ્ન માટે પ્રપોઝ કરે છે.
પોલીસે તપાસ કરતા આ ફેક પ્રોફાઈલ લંડનમાં નહીં પરંતુ રાજકોટમાં ન્યૂ મહાવીરનગરમાં રહેતા બિપીનકુમાર મહેતાનું હોવાનું ખૂલ્યું હતું. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તે 2012માં તે લંડના ગયો હતો જ્યાં ફરિયાદીના ભાઈ રાજેન્દ્ર દલાલ સાથે એક જ રૂમમાં પીજી તરીકે રહેતો હતો. આ સમયગાળામાં મિત્રતામાં તેના પરિવાર વિશે મળેલી માહિતીને આધારે ભારત પાછા આવ્યા પછી તેણે મિત્ર પાર્થના ફેસબુકમાંથી ફેમિલીના ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ પ્રશાંત પંડ્યા નામનું ફેક આઈડી બનાવી તેમાં પાર્થના ફોટા તથા તેના ફેમિલીના ફોટા અપલોડ કરી મહિલાઓ સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું.
આરોપી વીમા કંપનીમાં એકાઉન્ટન્ટ છે
મહિલાઓને સારૂ કમાતો હોવાનું કહી છેતરતો આરોપી બિપીન મહેતા એક ખાનગી વીમા કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. લંડનમાં સ્થાનિક યુવતી સાથે તેને પ્રેમ થયો હતો પરંતુ તેમાં વાત લગ્ન સુધી ન પહોંચતા આરોપી મહિલાઓને પરેશાન કરવા માટે બોગસ આઈડીથી મહિલાઓને પરેશાન કરતો હતો.
શાદી ડોટ કોમ પર પણ ફેક પ્રોફાઈલ
આરોપી બિપીને શાદી.ડોટ કોમમાં ફેક પ્રોફાઈલના માધ્યમથી 50 મહિલાઓ સાથે સંપર્ક કર્યો છે. અને તેમની સાથે વોટ્સઅેપ ચેટિંગ કરી તેઓના અંગત ફોટા મેળવ્યાની અને પોતાના નામે આ જ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી બીજી 25 મહિલા સાથે વોટ્સએપથી સંપર્કમાં હોવાની કબૂલાત કરી છે.