સૌજન્ય/અમદાવાદ: રાજયના વિવિધ શહેરોમાંથી 250 થી વધુ કારની ચોરીઓ કરી તેને નકલી દસ્તાવેજોના આધારે વેચવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા ડોકટર હરેશ માણીયા (પટેલ)ની અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચ સુરતથી ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો હતો. આ અગાઉ ક્રાઈમ બ્રાંન્ચે ડોકટરના ભાઈ સહિત ત્રણની પોલીસે ગત જુલાઈ માસમાં ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાંન્ચના એસીપી બી.વી.ગોહીલે જણાવ્યું હતું કે, ગત 30 જુલાઈ 2018ના રોજ પોલીસ ટીમે થલતેજમાંથી એક કારમાં પસાર થઈ રહેલા અરવિંદભાઈ માણીયા(પટેલ)ને રોકી કારના કાગળો માંગતા કાર ચોરીની હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પુછપરછમાં કારચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કારની ચોરી કરી કારને રાજકોટમાં ભંગારનો ધંધો કરતા વ્યકિતને વેચાતી હતી. આ અંગે પોલીસે અન્ય આરોપી રાજકોટના તાહેર ત્રિવેદી અને સલીમ શેખની ધરપકડ કરી હતી. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોકટર હરેશ માણીયા હોવાનું ખુલ્યું હતું.
દવાખાનું ન ચાલતા કારચોરી શરૂ કરી
પોલીસ પુછપરછમાં ડોકટર હરેશ માણીયો કબુલાત કરી હતી કે, તે બી.એ.એમ.એસ.ડોકટર છે અને બલદાણા ગામમાં પાર્થ કલીનીક નામે દવાખાનું ધરાવતો હતો. જો કે તેમાં વધુ કમાણી થતી ન હતી. દરમિયાન એક કારની ચોરી તેના ભાઈ અરવિંદ સાથે મળીને કરી તેમાં પૈસા મળતા બંને ભાઈઓ દિવસે દવાખાનું ચલાવતા હતા અને રાત્રે કારની ચોરીના રવાડે ચડી ગયા હતા.