સૌજન્ય/અમદાવાદ: પ્રત્યારોપણ કરાયેલા ગર્ભાશય દ્વારા ગુજરાતની મીનાક્ષી વાળંદે પુત્રીને જન્મ આપ્યો છે. 32 સપ્તાહની પ્રેગ્નેન્સી સાથે બુધવાર-ગુરુવારની મધ્ય રાત્રિએ 12.12 વાગે મીનાક્ષીએ પૂણેના નર્સિગહોમમાં સિઝેરિયન દ્વારા પુત્રીને જન્મ આપ્યો હતો. આ સાથે પ્રત્યારોપણ કરાયેલા ગર્ભાશયથી માતૃત્વ મેળવનારી મીનાક્ષી ભારતની અને એશિયાની પ્રથમ મહિલા બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે મીનાક્ષીના સફળ ગર્ભાશય પ્રત્યારોપણ અને અહીં સુધી પહોંચવા માટે વાળંદ પરિવારની ધીરજની ગાથા ભાસ્કરે 31 ડિસેમ્બર 2017ના અંકમાં રજૂ કરી હતી.
જો કે માતૃત્વ સુખ માટે મીનાક્ષીએ જે રસ્તો અપનાવ્યો તેની કથા નામ બદલીને સોનલ નામથી પ્રસિદ્ધ કરાઈ હતી. વાળંદ દંપતી જંબુસરનું રહેવાસી છે. જે ગર્ભાશયમાં મીનાક્ષી જન્મી હતી તે જ ગર્ભાશયમાંથી બાળકીએ જન્મ લીધો. તેઓનું 19 મે, 2017એ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. અને એપ્રિલમાં ગર્ભ મુકાયો હતો. જન્મ બાદ બાળકીને નિયોનેટલ આઇસીયુમાં ઓક્સીજન પર રાખવામાં આવી હતી. 16 તબીબોની ટીમે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે.
અત્યાર સુધી ગર્ભાશય ટ્રાન્સપલ્નાનટથી દુનિયામાં કુલ 11 બાળકોનો જન્મ થયો છે. તેમાંથી 9 સ્વીડનમાં અને 2 યુએસમાં છે અને 12માં બાળકે ભારતમાં દશેરાના દિવસે જન્મ લિધો. મીનાક્ષી અને હીતેશ વાલનના લગ્નને 9 વર્ષ થઈ ગયાં હતાં પણ બાળક થતું નહોતું, બાળકને નવમા મહિને ગુમાવવાનું દુ:ખ પણ સહન કર્યું છે. તે બાદ 5 સર્જરી પણ થઈ, તેમાં એક સર્જરીમાં ગર્ભાશયમાં કાણું પડતાં તે હંમેશ માટે નકામું થઈ ગયું. બરોડાના તબીબોથી પણ તેનું સફળ ઓપરેશન ન થતાં તેને પુણેની ગેલેક્સી કૅર લેપરોસ્કોપિક હૉસ્પિટલમાં પ્રયત્ન કરવાનું કહ્યું.
ત્યાં ઇટાલીના વિખ્યાત તબીબે પણ તેના ગર્ભાશયની કોથળીને જેમ છે તેમ કરવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા. પછી ત્યાંના ડૉ. શૈલેષ પૂંટમ્બેકરે ભારતમાં ક્યારેય ન થયું હોય એવું ઓપરેશન એટલે કે “ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ’નું સૂચન કર્યું. ગર્ભાશયની દાતા મીનાક્ષીની માતા બની હતી. ટ્રાન્સપ્લાન્ટ પહેલા પરિવારે વિચારવા માટે 2 મહિનાનો સમય લીધો હતો.