સૌજન્ય/અમદાવાદ: ટ્રાફિક (બી ડિવિઝન)ના પીએસઆઈ એ.આર. છોવાળા દાદા સાહેબના પગલાં પાસે ફરજ પર હતા. દરમિયાન મંગળવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ સેપ્ટ યુનિવર્સિટી પાસેથી આવી રહેલી એક કારના ચાલકે સિગ્નલ ભંગ કરતા પોલીસે તેમને રોક્યા હતા. જોકે કારચાલક ‘ મેં સિગ્નલ ભંગ કર્યો નથી હું દંડ નહીં ભરું, તમારે સીસીટીવી જોવા હોય તો જોઈ લો’ કહી ફરજ પરના જવાન મેહુલ સાથે ઝપાઝપી કરવા લાગ્યો. પીએસઆઈ એ.આર. છોવાળા અને અન્ય સ્ટાફ તેમને વચ્ચે છોડાવવાનો પ્રયત્ન કરતા પીએસઆઈનો કોલર પકડી તેમની સાથે પણ મારામારી કરી હતી. આ અંગે પોલીસે ભરત બડિયાવદરા (ગાંધીનગર)ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
1 મહિનામાં પોલીસ પર 10મી વાર હુમલો
ઓક્ટોબરમાં પોલીસ પર હુમલાની આ 10મી ઘટના છે. અગાઉ શહેરકોટડામાં લાઈટ બંધ કરી પોલીસ પર હુમલો થયો હતો. સરદારનગર અને વસ્ત્રાલમાં બે કોન્સ્ટેબલની હત્યા કરાઈ હતી. વસ્ત્રાપુરમાં પણ બાઈકસવારોએ પીએસઆઈની ફેંટ પકડી હતી.