સૌજન્ય/અમદાવાદ: રાજ્યમાં સતત 15 દિવસથી પડતી કાળઝાળ ગરમીને કારણે સ્વાઇન ફલૂનાં કેસમાં ઘટાડો થયો છે. મંગળવારે રાજ્યમાં સ્વાઇન ફૂલનાં નવા 17 કેસ અને બે દર્દીનાં સારવાર દરમિયાન મોત થયાં છે. અત્યાર સુધી રાજ્યમાં 38 લોકોનાં સ્વાઇન ફલૂથી મોત થયાં છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં છેલ્લાં 15 દિવસો દરમિયાન સ્વાઇન ફલનાં દરરોજનાં 30થી 50 જેટલાં નવા કેસ નોંધાતા હતા. મંગળવારે રાજ્યમાં સ્વાઇન ફલૂનાં નવા 17 કેસ નોંધાયા હતા, અને બે વ્યક્તિનાં મોત થયાં છે. મંગળવારે નોંધાયેલા 17 નવા કેસમાં અમદાવાદમાં 6, વડોદરામાં 4, અરવલ્લી-2, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, વડોદરા અને નવસારીમાં 5 કેસ નોંધાયા હતા. 1 સપ્ટેમ્બરથી આજ સુધીમાં રાજ્યમાં સ્વાઇન ફલૂના કુલ 1428 કેસ નોંધાયા છે, અને 38 લોકોનાં મોત થયાં છે. જયારે 288 દર્દી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે તેમજ 1102 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.
હાઇકોર્ટમાં બે દિવસ પછી વધુ સુનાવણી થશે
રાજ્યમાં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લૂના મામલે હાઇકોર્ટમાં અગાઉ થયેલી રિટમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા હોવાની રજૂઆત બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી બે દિવસ બાદ પર મુલત્વી રાખી છે. 2016-17માં સ્વાઇન ફ્લૂને કારણે લોકોના થયેલા મોત અને સરકાર દ્વારા યોગ્ય કાળજી નહીં લેવા મામલે હાઇકોર્ટમાં રિટ થઇ હતી.
ઝીકા વાઈરસ: 1769 સેમ્પલ ટેસ્ટ કરાયા
રાજસ્થાનમાં ઝીકા વાઈરસના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે મચ્છરથી ફેલાતી આ બીમારી ગુજરાતમાં ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રને એલર્ટ કરાયું છે અને તકેદારીના પગલાં શરૂ કરાયા છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે ઝીકા વાયરસના લક્ષણ જણાય તેવા તમામ કેસોમાં લેબોરેટરીમાં સેમ્પલ મોકલીને તાત્કાલિક ચકાસણી કરવાની સૂચના અપાઇ છે. અત્યારસુધીમાં 1769 સેમ્પલ ટેસ્ટ કરાયા છે પરંતુ ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર ખાતેની મેડિકલ કોલેજની લેબોરેટરીમાં વાયરસના ટેસ્ટ કરવાની વ્યવસ્થા ગોઠવાઇ છે.