સૌજન્ય/અમદાવાદઃ શહેરમાં નવરાત્રી મહોત્સવની સાથે સાથો રોમિયો પણ બેફામ બન્યા છે. ગઈકાલે એટલે કે છઠ્ઠા નોરતે શહેરના વિવિધ વિસ્તારોમાં ડીકોય ટીમો ગોઠવી મહિલાઓની ગરિમાને હાનિ પહોંચાડે એવું વર્તન કરતા 10 યુવાનોને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામને મહિલા સેલના કર્મચારીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ઝડપી પાડ્યા હતા. પૂર્વ અને પશ્ચિમના મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓની ડીકોયની બે ટીમ, મહિલા હેલ્પ લાઈન-181ની 10 ટીમ તેમજ સુરક્ષા સેતુની 05 ટીમ બનાવી સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
કમિશનરે આપી છે કડક સુચના
શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશન ક્રાઈમ બ્રાન્ચે સ્ત્રીઓની છેડતી થતા રોકવા માટે એક્શન પ્લાન ઘડ્યો છે. તેમજ આ પ્રકારના કોઈ બનાવો ન બને તે માટે કડક સુચના આપી છે. જેને પગલે મહિલા સેલના કર્મચારીઓને ટ્રેડિશનલ ડ્રેસમાં મોકલી ડીકોય ગોઠવવામાં આવી હતી. જેમાં 10 યુવાનોને મહિલાઓની ગરિમાને હાનિ પહોંચાડતા ઝડપી લેવામાં આવ્યા હતા.
આ તમામ આરોપીઓ સામે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ-પશ્ચિમ ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમીને ઝડપે છે રોમિયો
મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમે છે અને કોઇ પણ યુવતીની મશ્કરી કે શારીરીક છેડતી કરનાર લોકોને શોધીને તેને લોકઅપમાં ધકેલી દે છે. અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચના ડીસીપી પન્ના મોમાયા તેમજ શહેરના સેક્ટર 2 અને જોન 4 સ્કવોડે શહેરમાં રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતી યુવતીઓની સુરક્ષા તેમજ ગરબાના સ્થળે યુવતીઓની થતી મશ્કરીના કારણે ખાસ સ્ક્વોડ બનાવી છે.