સૌજન્ય-અમદાવાદઃ રાજ્ય સરકારની હાઈવે પાવર કમિટીએ, અદાણી, એસ્સાર અને તાતાને વીજ દરમાં વધારો કરી આપવો જોઈએ તેવી સરકારને ભલામણ કરી છે. આ મુદ્દે મંજૂરી મેળવવા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે અને તા. 29 ઓક્ટોબરે તેનું હીયરિંગ થશે. આ અંગે એક પખવાડિયામાં ફાઈનલ ઓર્ડર આવી જાય તેવી શક્યતા છે. જો સુપ્રીમ કોર્ટ સૂચિત દર વધારો મંજૂર કરે તો યુનિટ દીઠ 80 થી 85 પૈસા વધે તેવી શક્યતા છે. જેના લીધે રાજ્યના 1 કરોડ, 40 લાખ વીજ ગ્રાહકો પર બોજ પડશે. વીજ ગ્રાહકોના બિલમાં દર મહિને રૂ. 200થી રૂ. 250 જેટલો વધારો થવાની શક્યતા છે.
એનર્જી એક્સપર્ટ કે. કે. બજાજે કહ્યું કે, વીજ કંપનીઓને કમ્પેન્સેટરી વીજ દર આપવા સંબંધિત વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે, તા. 11 એપ્રિલ, 2017ના રોજ આ મુદ્દે નિવેડો લાવવા કેન્દ્રીય વીજ સત્તામંડળને અભ્યાસ કરવા અને કમ્પેન્સેટરી ટેરિફ અંગે નવેસરથી વિચારણા કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકારે રચેલી હાઈ પાવર કમિટીના રિપોર્ટમાં વીજ દર વધારો આપવા ભલામણ કરી છે. જો સુપ્રીમ કોર્ટ સૂચિત દર વધારાને મંજૂર કરે તો વીજ ગ્રાહકો પર રોજ રૂ. 17.7 કરોડ લેખે મહિને રૂ. 531 કરોડનો બોજ પડે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે, વીજ દર વધારા અંગેના મામલે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગતાં અદાણી, એસ્સાર, તાતા સહિત વીજ કંપનીઓની તરફેણ કરાઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ..