સૌજન્ય-અમદાવાદ: ‘કરમની કઠણાઇ કહો કે વિધીની વક્રતા’ એક તરફ સગી માં ફુલ જેવી દીકરીને તરછોડી મુકે છે, જ્યારે બીજી તરફ સાત સમુંદર પાર મહિલાના મનમાં માતૃત્વ જાગી ઉઠતા તેને દત્તક લેછે. મેઘાણીનગરમાં 2017માં ત્યજી દેવાયેલી એક બાળકીને સ્પેનની મહિલા શિક્ષકે દત્તક લીધી છે. પોલીસે ત્રણ વર્ષની બાળકીને પાલડી ખાતેના બાળ સરંક્ષણ ગૃહમાં મોકલી આપી હતી અને એક જ વર્ષમાં સ્પેનની મહિલાએ દત્તક લીધી છે. દત્તક લેનાર સ્પેનની મહિલા અપરણિત છેે.
ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારો વિશ્વભરમાં જાણીતા છે, પણ આ સંસ્કારોને કાળી ટીલી લગાડતી ઘટના અમદાવાદના મેઘાણીનગરમાં બની હતી. 2017માં એક માતાએ સગી દીકરીને ત્યજી દીધી હતી. એ વખતે બાળકીની ઉંમર ત્રણ વર્ષની હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી પાલડીના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. બાળ ગૃહમાં બાળકીને હીર નામ અપાયું હતું. હજી એક વર્ષ થયું છે ત્યાં જ હીરને ભારત સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી મારફત સ્પેનની મહિલાએ દત્તક લેવા ઇચ્છા વ્યક્ત કરી હતી.
બાળ સરંક્ષણ ગૃહના પ્રમુખ સી.કે.પટેલે અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી દર્શન વ્યાસે કહ્યું હતું કે સ્પેનની મહિલા શિક્ષક છે. મહિલા અપરણિત છે. મહિલાએ બાળકીને દત્તક લેવા માટે ભારત સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના કારા.એનઆઇસી.ઇન(પોર્ટલ કેરિંગ્સ) મારફત અરજી કરી હતી. આ પોર્ટલમાં સમગ્ર ભારતમાંથી લીગલ ફ્રી ફોર એડોપ્શન થયેલા એટલે કે કોર્ટે એડોપ્શન માટે ફ્રી કર્યા હોય તેવા બાળકોની યાદી જોવા મળે છે. હીરની લીગલ પ્રક્રિયા પૂરી થતા જ કોર્ટની મંજુરીથી પાસપોર્ટ તૈયાર થઇ ગયો છે. હીરના જીવનમાં પણ માતાનું આગમન થતા તે ભાવવિભોર બની ગઇ છે, સ્પેનની માતાને પુત્રી મળતા તે પણ તેના જીવનમાં પૂર્ણતાનો અહેસાસ થયો છે તેમ બાળ સંરક્ષણ ગૃહના સૂત્રોનું કહેવું છે.
સ્પેનની મહિલા 21મીએ અમદાવાદ આવશે
આગામી 21મી ઓક્ટોબરના રોજ ભારત સરકારની એડોપ્શન પોલીસી અંતર્ગત સ્પેનની મહિલા અમદાવાદની હીરને દત્તક લેવા આવશે. અમદાવાદમાં ત્રણ દિવસ રોકાઇ તમામ લીગલ પ્રક્રિયા પૂરી કરી બાળકી સાથે સ્પેન જશે.
સ્પેનથી કેક મોકલી હતી
ગત 6 ઓગસ્ટે હીરનો બર્થડે હતો. બર્થડે પર સ્પેનથી મહિલાએ ઓનલાઇન ઓર્ડર કરી હીર માટે કેક મોકલી આપી હતી. પાલડી બાળ સંરક્ષણ ગૃહમાં અન્ય બાળકો સાથે બર્થડેની ઉજવણી પણ કરવામાં આવી હતી.
સરકારને રિપોર્ટ મોકલશે
આગામી દિવસોમાં હીર સ્પેન પહોંચી ગયા બાદ સ્પેનની એજન્સી દર છ મહિને તેની ભાળ મેળવશે. તેનો રિપોર્ટ ભારત સરકારને પણ મોકલી આપશે.જેથી ભારત સરકારને પણ બાળકની સ્થિતિ અંગે માહિતી મળતી રહેશે.