સૌજન્ય-અમદાવાદ: હેલ્થ વિભાગે શુક્રવાર રાત્રે જીએમડીસી ગ્રાઉન્ડ, વાય.એમ .સી.એ. ક્લબ, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, મણિનગરનો મણિયારો, ગોકુલ રાસ ગરબા, વગેરે સ્થળે ચેકિંગ હાથ ધરીને ખાદ્ય ચીજોના સેમ્પલ લીધા હતા. નવરાત્રિ શરૂ થયાને ત્રણ દિવસ હેલ્થ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ક્લબો અને રાસ ગરબાના સ્થળે ફૂડ કોર્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને ખાદ્ય ચીજોના 25 સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
લાઈવ ઢોકળા, બટાકાવડાં, પિઝા સોસ, ચટણીનાં સેમ્પલ લેવાયાં
હેલ્થ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે પીઝા સોસ, મિલ્ક શેક, કોપરાની ચટણી, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, ખીચું, પાઉંભાજી, છોલે ભટુરે, લાઇવ ઢોકળા, વગેરેના સેમ્પલ લીધા છે. હાઈજેનિક કન્ડીશન મુદ્દે 13 ફૂડ ઓપરેટરોને નોટિસ ફટકારાઈ છે. નવરાત્રિમાં ક્લબો, પાર્ટી પ્લોટ, સહિત સંખ્યાબંધ સ્થળે ગરબાનું આયોજન થાય છે.આ તમામ સ્થળે પ્રખ્યાત બ્રાન્ડની ફૂડ કોર્ટ દ્વારા નાસ્તા- પાણી રાખે છે. ફૂડ કોર્ટ અને નાસ્તા બનાવનારાઓ દ્વારા મોટા જથ્થામાં નાસ્તા બનાવીને પીરસાતા હોય છે. પરંતુ સબ- સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે તગડી કમાણી કરતા નાસ્તા પાણીના ઉત્પાદકો – વેપારીઓ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે.
સેમ્પલમાં મિલ્ક શેક, પેસ્ટ્રીનો પણ સમાવેશ
અહીંથી સેમ્પલ લીધા
-વાય.એમ.સી.એ. ક્લબ
રેડ ચટણી, કોપરાની ચટણી, ગ્રીન ચટણી, લવંડર મિલ્ક શેક, હોટ એન્ડ શોર સૂપ, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી.
-જીએમડીસી ગ્રાઉન્ડ
ગ્રીન ચટણી, પોટેટો લોલીપોપ, ખીચું, ભેળ, દાબેલી.
-કર્ણાવતી ક્લબ.
ગ્રીન ચટણી, લાલ ચટણી, ડ્રિન્કિંગ વોટર.
-રાજપથ ક્લબ.
પીઝા સોસ, ચીઝ સાઈનેજ, પાઉંભાજીની ભાજી, કોલ્ડ કોફી, છોલે શાક, રેડી ટુ સર્વ ડ્રિન્ક વગેરે
-ગોકુલ રાસ ગરબા, કાંકરિયા
મીઠી ચટણી, પાણીપુરીની ચટણી.
-મણિનગરનો મણિયારો
લાઈવ ઢોકળા, બટાકા વડા, મરચું- પાઉડર.
ભેળસેળ રોકવા 2 હજાર એકમોના નમૂના લેવાશે
તહેવારોની સિઝનમાં ખાણી-પીણી અને ખાસ કરીને ફરસાણ અને મીઠાઈઓનું વેચાણ વધતું હોય છે. જેને કારણે માગ અને ઉત્પાદન વધતા ફેળસેળિયા તત્વો કમાણી કરી લેવા માટે લોકોના સ્વાથ્ય સાથે ચેડા કરતા હોય છે. દશેરા પહેલાં ફરસાણ અને મીઠાઈના મોટા એકમો પર દરોડા પાડીને ભેળસેળ અટકાવવા રાજ્યનું ફૂડ એન્ડ ડ્ગ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્ગ કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, તહેવારોમાં ભેળસેળિયા તત્વો કમાણી કરવા માટે અખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા હોય છે. દશેરા પહેલાં 2 હજાર જેટલાં ફરસાણ-મીઠાઈઓના મોટા એકમો પર દરોડા પાડીને કાચો માલ અને તૈયાર થયેલ બનાવટોના નમૂના લેવાશે. રાજ્યના તમામ કોર્પોરેશનોને પણ આ અંગે તાકીદ કરવામાં આવી છે.