ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં. તેમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હતાં. ભારતીય પરંપરા મુજબ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી આજે રાત્રે ગુજરાત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટેરા સ્થિત મોદી સ્ટેડિયમમાં નિરિક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેડિયમમાં બંને દેશોના વડાની હાજરીને લઈ તૈયારીઓ માટેની સમિક્ષા કરી હતી.
ગુરુવારે નવ માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે.સાંજે ચાર વાગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવ્યા હતાં. જ્યાંથી તેઓ સીધા ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આશ્રમની મુલાકાત લેશે.ત્યાર બાદ સીધા તેઓ હોટલ ખાતે જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન જશે અને રાત્રિરોકાણ કરશે. આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8.30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. બંને વડાપ્રધાન મેચમાં હાજર રહેશે. બે કલાક સુધી બંને વડાપ્રધાન મેચ નિહાળશે અને મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી કરે એવી પણ શક્યતા છે.