રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યાં તહેવાર પહેલા એક ભાઈએ બહેનને નવા જીવનની ભેટ આપી છે. ભાઈએ પોતાની એક કિડની ડોનેટ (kidney donate) કરીને બહેનનો જીવ બચાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યારામાં 42 વર્ષીય લતાબેન રહે છે. ચાર વર્ષ અગાઉ તેમની કિડની ફેલ થઈ ગઈ હતી. ત્યારે દોઢ વર્ષથી તેઓ તેની સારવાર કરાવી રહ્યા હતા. ત્યારે બારડોલી ખાતે લતાબેનના ભાઈ હિતેશભાઈ રહે છે. 37 વર્ષીય ભાઈએ પોતાની બહેનનો જીવ બચાવા તેમને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે જરૂરી ટેસ્ટ પણ કરાવ્યા. જેમાં હિતેશભાઈની કિડની મેચ થઈ ગઈ હતી. બંને પક્ષે હામી ભરાયા બાદ 27 જુલાઈના રોજ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયુ હતું. ડો.વત્સા પટેલ, અનિલ પટેલ, યુરોલોજીના ડો. ચિરાગ પટેલ સહિતની 50 સભ્યોની ટીમ દ્વારા આ ઓપરેશન કરાયુ હતુ.
આમ, એક ભાઈએ નજર સામે આખુ જીવન હોવા છતા પોતાની એક કિડની બહેન માટે દાન કરી દીધી. આ વિશે હિતેશભાઈએ કહ્યું કે, રક્ષાબંધન આવે છે અને મારી બહેન માટે આનાથી વિશેષ રક્ષાબંધનની કઈ ભેંટ હોય શકે કે મારી કિડની મારી બહેનને નવુ જીવન આપવા માટે ઉપયોગી થઈ તે માટે હું પોતાને નસીબદાર માનું છું.