ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ખતરનાક ડેલ્ટા વાયરસે પગપેસારો કરી લીધો છે. રાજ્યમાં કુલ 51 બીએસએફ જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટ ના કેસ જોવા મળ્યા છે. તેમજ અમદાવાદ કેન્ટોનમેન્ટમાં કાશ્મીરથી આવેલા બે જવાનમાં પણ ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં 50થી વધુ લોકોમાં કપ્પા વેરિયન્ટ મળ્યો છે. જેથી કહી શકાય કે, આ ઘાતક વાયરસ ગુજરાત માં ધીરે ધીરે પગપેસારો કરી રહ્યો છે.
કોરોનાના નવા આવેલા વેરિયન્ટ પર આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગઈકાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, બનાસકાંઠાના બીએસએફના જવાનો નાગાલેન્ડથી આવ્યા હતા. તેમના જીનોમ સિક્વન્સ માટે મોકલાયા હતા. તમામાં ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યુ હતું કે, પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, કોવિડ 19 ના કોવિડના વેરિયન્ટ ક્યાં અને કેટલા ઘાતક છે તે WHO અને ICMR નક્કી કરે છે. વાયરસ કેટલો ઝડપી ફેલાય છે તે નક્કી કરી રાજ્યોને જણાવાય છે. ચાર પ્રકારના વાયરસ જોવા મળે છે. જેનેટિક ફેરફાર થયા હોય તેવા વેરિયન્ટ જોવા મળે છે. અગાઉના વાયરસ કરતા ડેલ્ટા ઝડપી ફેલાય છે. રાજ્યમાં કેટલાક કેસો ડેલ્ટાના મળ્યા છે. કપ્પા વેરિયન્ટ હજુ ઘાતક સાબિત થયો નથી. ડેલ્ટામાં ફેરફાર થતા કપ્પા વાયરસ મળ્યો છે. રાજ્ય સરકારે આ બાબતની કાળજી રાખી છે. જે કેસો મળે છે તેના સેમ્પલ લેવાય છે અને તેની તપાસ થાય છે. કપ્પા વેરિયન્ટના જૂજ કેસ મળ્યા છે અને કોન્ટેકટ ટ્રેસિંગ થઈ રહ્યું છે. કપ્પા વેરિયન્ટના કેસમાં દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. કોવિડ હજુ ગયો નથી તમામ પગલાં લેવાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠામાં 52 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા હતા. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 BSF જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા હતા.