ભારતને વર્ષ 1947માં આઝાદી તો મળી પરંતુ તે બાદ દેશને મોટી કિંમત ચૂકાવવી પડી હતી, આ કિંમત હતી ભારતને પાકિસ્તાનમાંથી અલગ કરવાની… પાકિસ્તાન ભારતથી અલગ તો થઈ ગયું પરંતુ પાકિસ્તાન સતત ‘કાશ્મીર’ની નાપાક માગ કર્યા કરતુ હતું. પાકિસ્તાને કેટલાક વર્ષો સુધી કાશ્મીરની માગ સાથે સરહદ પર ભારત સાથે યુદ્ધવિરામનો ભંગ કર્યો.
વર્ષ 1999માં ભારતે પાકિસ્તાનને એવો જવાબ આપ્યો કે ત્યારબાદ પાકિસ્તાને સપનામાં આ પગલાનો વિચાર કર્યો નહીં.વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું, જે મહત્વપૂર્ણ યુદ્ઘ માનવામાં આવે છે. કારગિલ યુદ્ધથી ઓળખાયેલા આ યુદ્ધને ભારતીય સૈન્યની વીરતા માટે કાયમ યાદ રાખવામાં આવે છે. ભારતીય સૈન્યએ 26 જુલાઈ 1999ના દિવસે કાશ્મીરના કારગિલ જિલ્લામાં પાકિસ્તાની ઘૂસણખોરોએ કબ્જો જમાવી દીધો હતો, ભારતીય સેનાએ તે સ્થળો પોતાના નિયંત્રણમાં મેળવી લીધા.
આ સફળતા મેળવવા ભારતીય સૈન્યએ ઓપરેશન વિજય ચલાવ્યુ હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ મે 1999માં શરૂ થયુ હતું જે બે મહિના સુધી ચાલ્યુ હતું. આ યુદ્ધમાં ભારતના 500થી વધુ જાંબાઝ જવાનો શહીદ થયા હતા. ‘ઓપરેશન વિજય’ની સફળતા બાદ આ દિવસને ‘વિજય દિવસ’ નામ આપવામાં આવ્યું. દુનિયાના ઈતિહાસમાં ‘કારગિલ યુદ્ધ’ સૌથી ઊંચાઈ પર થનારી યુદ્ધની ઘટનાઓમાંથી એક છે.
આ દિવસે એ શહીદોને યાદ કરવામાં આવે છે જેમણે હસતા મોંઢે પોતાના પ્રાણની આહૂતિ માતૃભૂમિની રક્ષા માટે આપી દીધી હતી. આ દિવસ એવા મહાન વીર સૈનિકોને સમર્પિત છે જેમણે પોતાનું જીવન આપણા સારા ભવિષ્ય માટે ન્યોછાવાર કરી દીધું. સ્વતંત્રતાની કિંમત વીરોના રક્તથી ચૂકવવામાં આવે છે. ‘કારગિલ યુદ્ધ’માં આપણા 500થી વધુ જવાનો શહીદ થયા હતા અને 1,300થી વધુ જવાનોને ઈજા પહોંચી હતી.
શહીદ થનારામાં અનેક એવા જવાનો હતા જેમની ઉમર 30 વર્ષ સુધીની હતી. આ શહીદોએ ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનની સર્વોચ્ચ પરંપરાનું વહન કર્યું, જેની શપથ દરેક સૈનિકો ત્રિરંગાની સમક્ષ લેતા હોય છે. કારગિલ યુદ્ધ દરમિયાન, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાને ઓળંગીને ઘૂસણખોરી કરી હતી.
નિયંત્રણ રેખા પાસે બર્ફીલા દુર્ગમ વિસ્તાર આવેલા હતા જેના કારણે ભારતને પાકિસ્તાનની ઘૂસણખોરીનો ખ્યાલ આવી શક્યો નહીં. મેજર વિક્રમ બત્રાને પણ આ દિવસે કેવી રીતે ભૂલાય, યુદ્ધમાં મેજર વિક્રમ બત્રાને છાતી પર ગોળી વાગી હતી અને જેઓએ શહીદી વ્હોરી હતી. મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરાયુ હતું.