ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ, આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા વચ્ચે ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો અવસર મળ્યો છે ત્યારે એમાં કોઈ કચાશ નહીં રહે. અમે મામેરા માટે મહારાષ્ટ્રિયન વસ્ત્રો અને દર વર્ષની જેમ આભૂષણ તૈયાર કરાવ્યા છે.
ઘરે પણ પૂરેપૂરી તૈયારી કરવામાં આવી રહી છે. અમારા સેટેલાઇટ ખાતેના નિવાસસ્થાને 6 જુલાઈએ ભગવાનને લાવવામાં આવશે અને તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે એ બાદ ભગવાનને ઘરમાં બિરાજમાન કરાશે. આ દરમિયાન લોકો મામેરાનાં દર્શન કરી શકે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે.
રાતે 8 વાગ્યા સુધી મામેરાનાં ભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે, લોકોને દર્શન કરવા દેવામાં આવશે. મર્યાદિત લોકો અને કોરોનાની ગાઇડલાઇન મુજબ દર્શન કરી શકશે. મંદિર તરફથી તેમણે મર્યાદિત લોકોને જ બોલાવ્યા છે એમ જણાવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત મંદિરે રાખવામાં આવશે. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે અમને મામેરું કરવાની ઈચ્છા થતી હતી. છેલ્લાં 50 વર્ષથી મારા પિતા પ્રયત્ન કરતા હતા.
મંદિરના ટ્રસ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને મામેરા માટે નામ આપેલું હતું, પરંતુ છેલ્લાં 4-5 વર્ષથી ચિઠ્ઠીઓ ઉછાળીને નામ પસંદ કરવામાં આવતું હતું, જેમાં આ વર્ષે અમારું નામ ખૂલ્યું હતું. મામેરું કરવા મળશે એવી વાત સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા છે. આ વર્ષે કોરોનાને કારણે અમે તમામ ગાઈડલાઇનનું પાલન કરીશું. ભલે કોરોના હોય, પરંતુ પરંપરાગત રીતે નીકળતું મામેરું ભરીશું.
ભગવાન જ્યારે રથયાત્રાના દિવસે મોસાળે આવશે ત્યારે અમે ત્યાં પણ તેમનું સ્વાગત કરીને મામેરું કરીશું. મંદિર તરફથી 35 પાસ બનાવી આપવામાં આવશે. રથયાત્રા નીકળે અને ભગવાન આવે તો તેમને વધાવીશું અને ના નીકળે તો નિજમંદિર ખાતે આવીને મામેરું કરીશું. આટલા વર્ષે નંબર આવ્યો હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ છે. જીવનનો સૌથી મોટો પ્રસંગ હશે, જે માટે તમામ તૈયારી અમે કરી લીધી છે.