અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટલ અને રેસ્ટોરાંમાં માત્ર ટેક અવેની સુવિધા રાખવામાં આવી હતી, પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં છૂટછાટ મળતાંની સાથે જ લોકોએ ફરીવાર બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. હવે 9 વાગ્યાની છૂટ મળતાં રવિવારે મોડી સાંજે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
ક્યાંક પાર્સલ માટે તો ક્યાંક જમવા માટે લોકોને કલાક કે તેથી વધુ સમય માટે રાહ જોવી પડી હતી. શહેરમાં પશ્ચિમ વિસ્તારના ઘાટલોડિયા, નારણપુરા, શાસ્ત્રીનગર, કે.કે.નગર, નવા વાડજ, અંકુર ચાર રસ્તા, ચાણક્યપુરી, અખબારનગર સહિતના વિસ્તારોમાં આવેલી ખાણીપીણી દુકાનોની બહાર મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
તમામ દુકાનોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. નાની દુકાનોમાં માત્ર પાર્સલ જ આપવામાં આવતું હોવાથી પાર્સલ માટે પણ લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. મોડી સાંજથી રાત સુધી લોકોનો ધસારો જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ અમદાવાદ છૂટછાટ સાથે ફરીથી ધબકતું થયું છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરાંની બહાર વેઈટિંગમાં ઊભા રહેલા અનેક લોકો જોવા મળ્યા હતા, ત્યારે કેટલીક દુકાનો બહાર પાર્સલ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
કેસ પણ નિયંત્રણમાં આવતાં અગાઉ જે લોકો બહાર આવતા નહોતા તેવા લોકો પણ બહાર આવ્યા હતા. રવિવાર હોવાને કારણે સામાન્ય દિવસ કરતાં 3થી 4 ગણો વધુ ધસારો જોવા મળ્યો હતો. હોટલ અને રેસ્ટોરાંની બહાર પણ આ પ્રકારનાં જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. હોટલ 6 વાગ્યાથી શરૂ થઈ જતાંની સાથે જ ત્યાં લોકોનો ધસારો વધુ જોવા મળ્યો હતો. હોટલમાં જગ્યા હાઉસફુલ થઇ જતાં બહાર લોકો કલાકો સુધી જમવા માટે વેઈટિંગમાં બેઠા હતા.
9 વાગ્યાની સમયમર્યાદા હોવાને કારણે લોકો વહેલા આવતા હતા. કેટલીક જગ્યાએ પ્રી-બુકિંગ જ કરવામાં આવતું હતું. 9 વાગ્યા બાદ પણ અનેક જગ્યાએ અગાઉ બેઠેલી વ્યક્તિઓ નવા ગ્રાહકોને બેસાડવામાં ના આવતાં કેટલાક ગ્રાહકો જમ્યા વિના જ પરત ફર્યા હતા. 9 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરાંમાં જમવા દેવાની છૂટ મળ્યાના પ્રથમ વીકેન્ડ હોવાને કારણે લોકોની વધુ ભીડ જોવા મળી હતી. સામાન્ય દિવસમાં નોકરી-ધંધાને કારણે લોકો પરિવાર સાથે બહાર જમવા જઈ શકતા નથી.
જેથી રવિવારની રજામાં અનેક લોકો પરિવાર સાથે જમવા પહોંચ્યા હતા. કેસમાં ઘટાડો થતાં કોરોનાથી ભયભીત થયેલ લોકો પણ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, એને કારણે પણ અનેક જગ્યાએ ધસારો જોવા મળ્યો હતો. કોરોનાને કારણે લોકોની બદલાયેલી જીવનશૈલી હવે અગાઉની જેમ સામાન્ય થવા લાગી છે.