રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. હાલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમા ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે.
ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ 3.4 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ત્યાર બાદ ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. શહેરમાં બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
શહેરના એસ.જી. હાઈવે, હાથીજણ, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, સત્તાધારા, નારણપુરા, ભૂયંગદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત અત્યારે અરવલ્લી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે.
ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના અપાઇ છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યમાંથી અન્યત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને તેને સંલગ્ન ઉત્તર પૂર્વ અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેને લીધે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે.