અમદાવાદ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત વધુ બે ગ્રુપ પર IT ના દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સિવાય એવી પણ માહિતી સામે આવી રહી છે કે બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ IT વિભાગના રડારમાં છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ દરોડા બાદ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો ખુલાસો થઇ શકે છે.
અમદાવાદના સાયન્સ સીટી રોડ સહિત બે ડઝનથી વધુ જગ્યાઓ પર આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા ત્રિકમ પટેલ અને અનિલ પટેલના ઘરો,ઓફિસો સહિત બે ડઝન જેટલા સ્થળો પર IT વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાની માહિતી મળી હતી, જેના આધારે IT વિભાગે તપાસ હાથ ધરી છે. અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલના નિવાસ્થાન અને ઓફિસોમાં IT વિભાગે દરોડા પાડ્યા છે. આ સિવાય બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા શહેરના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા ખાતાની તપાસ ચાલી રહી છે.