અમદાવાદના પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા તમામ 48 વોર્ડમાં ચાલતી બાંધકામ સાઈટના ડેવલપરને ગ્રીન નેટ લગાવવા મ્યુનિ.તંત્ર તરફથી વારંવાર અપાયેલી સુચના છતાં અમલ કરવામાં ના આવતા ગુરુવારે એક સાથે 41 બાંધકામ સાઈટ સીલ કરવામા આવી હતી. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી. દક્ષિણ ઝોનમાં 6 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ચાલતી બાંધકામ સાઈટ ઉપર બાંધકામ દરમિયાન ઉડતી ધુળ,રજકણો વગેરેથી પર્યાવરણને નુકસાન પહોંચતુ હોવાથી તમામ બાંધકામ સાઈટના સ્થળે ફરજિયાત ગ્રીનનેટ લગાવવાનો અમલ કરાવવા સુચના આપી હતી. બાંધકામ સાઈટ ઉપર ગ્રીન નેટ ઉપરાંત બેરીકેટીંગ, સેફટી નેટ વગેરે લગાવેલ નહી હોવાથી પૂર્વ અને દક્ષિણઝોન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તરઝોન દરેક ઝોનની ત્રણ-ત્રણ સાઈટ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનની એક સાઈટ મળી કુલ 41 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.