અમદાવાદમાં ફરી એક વાર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના ઘટી છે. ઘુમાની એક નિર્માણાધીન ઇમારતમાં મોડી રાતે 3 શ્રમિકોના મોત થયા છે. ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાતે બનેલી એક ઘટનામાં સાઈટ પર બાંધેલી પાલક તૂટતાં ત્રણ શ્રમિકોના કરુણ મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન નામની એક સાઈટ પર કામ ચાલી રહ્યુ હતું. ત્યારે મોડી રાતે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સાઈટ પર બાંધેલી પાલક એકાએક તૂટી પડી હતી, જેથી 13 મા માળેથી નીચે પટકાતા 3 શ્રમિકોના મોત નિપજ્યા હતા. સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં શ્રમિકોને મૃત જાહેર કરાયા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. હાલ આ દુર્ઘટનાને પગલે ઘુમા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગત મુજબ આ ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેના નામ સંદીપ, રાજુ અને અમિત છે.