અમદાવાદના મેમનગર વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 10 ઇસમોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય, રોકડ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, મેમનગર વિસ્તારમાં આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આથી ક્રાઇમ બ્રાંચે બાતમી સ્થળ પર દરોડો પાડીને જુગારધામ ચલાવતા રમેશ દેસાઈ અને ધીરજ દેસાઈની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે અન્ય 8 લોકોને પણ જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે જુગારનું સાહિત્ય, મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ.3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પૂછપરછમાં જાણવા મળ્યું કે, રમેશ અને ધીરજ સાથે વિપુલ વાળંદ અને જીગર દેસાઈ પણ આ જુગારધામ ચલાવવામાં સંકળાયેલા હતા. પોલીસે વિપુલ અને જીગરને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી છે. જ્યારે અન્ય ઝડપાયેલા આરોપીઓમાં આકાશ દેસાઈ, ગોકુલ દેસાઈ, રોનિત ચંદ્રા, ધાર્મિક મહેતા, આર્યન ભરવાડ, બિરજુ ભાવસાર, યશ વસીટા, વિનોદ પટેલ, લાલજી પટેલ અને ગંગારામ પટેલનો સમાવેશ થાય છે.