અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મેડિકલ જામીન માટે અરજી કરી હતી. આ અરજીને લઈ આજે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આજે પ્રજ્ઞેશ પટેલ, તથ્ય પટેલ અને તેમના વકીલ વચ્ચે ચર્ચાઓ થઈ હતી. સુનાવણી શરૂ થતાં જજે તથ્ય અને પ્રજ્ઞેશને સવાલ કર્યો હતો કે, તમને કોઈ ફરિયાદ કે રજૂઆત છે તો બંને જણાએ જવાબમાં ના કહ્યું હતું. સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થતાં તથ્યના વકીલે પ્રોક્સી ભરી હતી. હવે 24 ઓગસ્ટે સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરૂ થશે.
આજે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને નિયમ મુજબ કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતાં. આ કેસમાં નિસાર વૈદ્ય, ભદ્રેશ રાજુ અને જલ ઉનવાલા બાદ સોમનાથ વત્સ આરોપી પક્ષે કેસ લડી રહ્યા છે. આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે 24 ઓગસ્ટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કાર્યવાહી શરૂ થશે. જ્યારે બંને આરોપીઓને કોર્ટમાં ઉપસ્થિત રખાશે.પ્રજ્ઞેશ પટેલને ઘણા સમયથી કેન્સરની બીમારી હોવાનું તેણે જણાવ્યું છે. સરકારે એફિડેવિટ ફાઈલ કરી છે.
સરકારની એફિડેવિટમાં પાછળના કેટલાક સમયથી ટ્રીટમેન્ટ થઈ નથી. પ્રજ્ઞેશના વકીલે કહ્યું હતું કે તેની રેગ્યુલર ટ્રીટમેન્ટ ચાલુ છે. કોર્ટ તેની તપાસ કરી શકે છે, તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે આવી ગંભીર બીમારી વિશે અગાઉ કેમ ન જણાવ્યું? પ્રજ્ઞેશના વકીલે કહ્યું હતું કે જો ઈલાજ છૂટી જશે તો બીમારી વધવાની શક્યતા છે. જોકે પૂરતા કાગળ કોર્ટ સમક્ષ કે સરકારી વકીલ સમક્ષ રજૂ કરાયા નથી.