સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કુલ ૩૦ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે. આ વિકાસલક્ષી કામોમાં નિકોલ વિધાનસભામાં અંદાજે ૨૪ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ૭૦:૨૦:૧૦ યોજના અંતર્ગત અંદાજે ચાર કરોડના કામોનું લોકાર્પણ તેમજ અન્ય બે કરોડના કામોનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, આમ કુલ રૂ. ૩૦ કરોડની ભેટ અમદાવાદના નગરજનોને મળી છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ- દુનિયાને નરેન્દ્રભાઈ મોદીએ શીખવ્યું છે, એ જ વિકાસની રાજનીતિને કારણે આજે નિકોલ વિધાનસભામાં એક સાથે ૨૪ કરોડથી વધુના પ્રકલ્પોની ભેટ નાગરિકોને મળી રહી છે.
અમદાવાદમાં થયેલા વિકાસની વાત કરતા મંત્રી જગદીશભાઈએ કહ્યું કે, આપણે બધાને યાદ છે બે દાયકા પહેલા અમદાવાદનો પૂર્વ પટ્ટો કેવો હતો. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતુ કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો ભેદ મિટાવી દેવો છે અને તે તેમણે સમ્યક વિકાસથી સાકાર કરી બતાવ્યું છે.
મંત્રીએ વધુમાં કહ્યું કે, આ ખારીકટ કેનાલને કારણે પૂર્વ વિસ્તારનો વિકાસ વર્ષોથી ક્યાંકને ક્યાંક અટકી રહ્યો હતો તેને હવે એક નવી દિશા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ, અમારી સરકારે જે વચનો પૂર્વ વિસ્તારના લોકોને આપ્યાં હતાં, એ પૂરા થઈ રહ્યાં છે. પોતાના મત વિસ્તાર નિકોલ વિધાનસભાના વિકાસની વાત કરતા મંત્રીએ કહ્યું કે, છેલ્લાં દસ વર્ષમાં નિકોલ વિસ્તારનો વિકાસ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. વિરાટ નગર-ઓઢવ ઓવરબ્રિજ, ઓઢવ રિંગ રોડ ફ્લાયર ઓવર બ્રિજ, સારંગપુર-ઓઢવ ઓવરબ્રિજ જેવા અનેક વિકાસલક્ષી કામો થયાં છે. છેલ્લાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૭૭ કરોડથી વધુના ખર્ચે અનેક પ્રજાલ પ્રકલ્પોની ભેટ નિકોલ વિધાનસભાના નાગરિકોને મળી છે.