અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક સ્કૂલ વાનના ડ્રાઇવરે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વાનની આગળનો કાચ તૂટી ગયો હતો. અકસ્માતને પગલે લોકો ભેગા થતા ડ્રાઇવરને ઝડપી લીધો હતો. ત્યારે માલૂમ થયું કે ડ્રાઇવર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં વાન ચલાવી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડ્રાઇવરની અટકાયત કરી હતી. ભયાવહ વાત એ છે કે વાનમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ખીચોખીચ બેસાડ્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
મળતી માહિતી મુજબ, મણીનગરમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. બાળકોથી ખચોખચ ભરેલી એક સ્કૂલ વાનનો અકસ્માત થયો છે, જેમાં વાનની આગળનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે વાનનો ડ્રાઇવર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હતો. મળતી માહિતી મુજબ, નેલ્સન સ્કૂલના વિદ્યાર્થીઓને વાનમાં ખીચોખીચ ભરીને લઈ જઈ રહેલો ડ્રાઇવર દારૂના નશામાં ધૂત હતો અને ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતને પગલે લોકોની ભીડ એકત્ર થઈ હતી અને દારૂ પીધેલા ડ્રાઇવરને લોકોને પકડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે નશામાં ધૂત ડ્રાઇવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ઘટના સામે આવ્યા બાદ વાનમાં પોતાના બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓમાં ભય જોવા મળી રહ્યો છે.