અમદાવાદના નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયાના વોર્ડમાં લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટરો વિરુદ્ધ હોબાળો કરવામાં આવ્યો હતો. ઠક્કરબાપાનગર વિસ્તારમાં ટીપી 65 રોડ ખોલવા મામલે સ્થાનિક લોકો દ્વારા સુત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલા કોર્પોરેટરનું મકાન તેમજ મણીબા સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ કરેલું છે જેથી આ રોડને ખોલવામાં આવતો નથી. આજે મેયર કિરીટ પરમારના વોર્ડમાં જ લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ હોવા છતાં ખુદ ગેરહાજર હતાં.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે શહેરમાં ઠક્કરબાપા નગર વોર્ડમાં લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલી મણીબા સ્કૂલની પાછળના ભાગની સોસાયટીના સ્થાનિક રહીશો લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે મણીબા સ્કૂલ પાસેથી જે ટીપી 65 રોડ ખોલવામાં આવતા નથી. રોડ ઉપરના જે દબાણ છે તેને દૂર કરવાની જરૂરિયાત છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ રોડને ખોલવામાં આવતો નથી.દબાણો દૂર ન કરવામાં આવતા હોવાના કારણે થઈ અને ત્યાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ રહે છે.
શહેરના ઉત્તર ઝોનમાં એસ્ટેટ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે રોડ પરના દબાણો અને ગેરકાયદેસર બાંધકામોને ખુલ્લા કરવાના હોય છતાં પણ એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આજે હવે સ્થાનિક લોકોએ મેયર કિરીટ પરમાર અને ઠક્કરબાપાનગર વિધાનસભાના મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયાના વોર્ડમાં વિરોધ કરવો પડ્યો છે. અધિકારીઓ અને કોર્પોરેટરોની સામે જ લોકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો અને વિરોધ કર્યો હતો.