અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. પૂરઝડપે જેગુઆર કાર હંકારી 9 લોકોના જીવ લેનારા આરોપી નબીરા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ ધાક-ધમકીનો કેસ નોંધાયો હતો, જે હેઠળ પોલીસે પ્રજ્ઞેશને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. આ કેસમાં પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી દાખલ કરી હતી, જેના પર આજે સુનાવણી થવાની હતી, પરંતુ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી ટળી છે.
મળતી માહિતી મુજબ, G-20 મિટિંગના બંદોબસ્તમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર વ્યસ્ત હોવાથી આ મામલે સુનાવણી ટળી છે અને નવી તારીખ આપવામાં આવી છે. હવે આ કેસમાં વધુ સુનાવણી શનિવારે હાથ ધરાશે. એવી ચર્ચા છે કે ગુનાની ગંભીરતા જોતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર થઈ શકે છે. પ્રજ્ઞેશ પટેલ પર આરોપ છે કે જ્યારે તેના પુત્ર તથ્ય પટેલે અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે ત્યાં હાજર લોકો દ્વારા તથ્ય પટેલને માર મારવામાં આવ્યો હતો. દરમિયાન પ્રજ્ઞેશ પટેલે લોકોને ગન બતાવી ધાક-ધમકી આપી પુત્ર તથ્ય પટેલને લઈ ગયો હતો.
પોલીસે પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ 506 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. હાલ પ્રજ્ઞેશ પટેલ સાબરમતી જેલમાં છે. પ્રજ્ઞેશ પટેલે પોતાના વકીલ નિસાર વૈદ્ય મારફતે અરજી કરી કે તેણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી નથી. તે માત્ર પોતાના દીકરાને હોસ્પિટલ લઈ ગયો હતો અને પછી તેણે સામેથી પોલીસને ફોન કરી આ અંગે જાણ કરી હતી. આ કેસમાં આગામી સુનાવણી શનિવારે થશે. તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને 7 ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.