દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૬ કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું છે. છેલ્લાં ૩ વર્ષોમાં કુલ ૫,૬૪૦ દિવ્યાંગજનોએ કેન્દ્ર અને રાજ્યની વિવિધ સેવાનો લાભ લીધો. આ સેન્ટરમાં દિવ્યાંગજનો માટે ટૂંક સમયમાં ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સ પણ શરૂ થશે
દેશના દિવ્યાંગોના સર્વાંગી ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવી છે અને અનેક નક્કર નિર્ણયો પણ લીધા છે, જેનું તાજું ઉદાહરણ આપણી સમક્ષ છે. ગુજરાત રાજ્યમાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રૂ. ૧૬ કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC)નું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર અંદાજિત ૨.૧૫ એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં દિવ્યાંગજનોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે અંદાજિત ૪૫ જેટલા રૂમ ઉપલબ્ધ છે.
આ અંગે વાત કરતા સી.આર.સીના ઇન્ચાર્જ ડિરેકટર ડો. અજીતસિંઘે જણાવ્યું હતું કે, આ સી.આર.સી સેન્ટરમાં દિવ્યાંગજનો માટે વિવિધ સુવિધાઓ જેમ કે સ્પેશિયલ એજ્યુકેશન સેવા, મનોવૈજ્ઞાનિક સેવા, વાણી તથા શ્રવણ અર્થેની સેવાઓ, બેરા ટેસ્ટ, વ્યાવસાયિક ઉપચાર સેવા, પ્રોસ્થેટીક્સ અને ઓર્થોટીક સેવાઓ, ફિઝિયોથેરાપી સેવાઓ, ઓક્યુપેશન થેરાપી, તાલીમ અર્થેની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સેન્ટર દ્વારા સાધન સહાય જેમ કે, વિહીલ ચેર, ટ્રાઈસાયકલ, ઘોડી, બેટરી સંચાલિત ટ્રાઈસાયકલ, કૃત્રિમ હાથ-પગ બનાવી આપવા, બહેરાશ માટે કાનનું મશીન, માનસિક દિવ્યાંગ બાળક માટે એજ્યુકેશન કિટ (TLM), દૃષ્ટીહીન દિવ્યાંગજનને લેપટોપ તથા મોબાઈલ તથા અન્ય સહાય આપવામાં આવે છે.
દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અંતર્ગત દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ ભારત સરકાર દ્વારા દરેક રાજ્યમાં એક કંપોઝિટ રિઝનલ સેન્ટર ફોર રિહેબિલિટેશન સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી (CRC) શરૂ કરાયું છે. આ સેન્ટરમાં દિવ્યાંગોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અને તેમના વિકાસ માટે વિવિધ કામગીરી કરે છે.
નોંધનીય છે કે અગાઉ શહેરના ઓઢવ ખાતે છેલ્લાં 10 વર્ષથી CRC સેન્ટર ચાલતું હતું. જગ્યા ઓછી હતી, એને જોતાં કેન્દ્ર સરકારે આધુનિક સુવિધાઓવાળું CRCનું નવુ બિલ્ડિંગ બનાવાનું આયોજન કર્યું. જેના ભાગરૂપે ઓઢવ ભિક્ષુકગૃહ પાસે રૂ.16 કરોડના ખર્ચે આ સેન્ટરનું નવું બિલ્ડિંગતૈયારકરાયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સેન્ટરમાં દિવ્યાંગોને સાધન સહાયથી લઇને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવામા આવશે.