અમદાવાદના બોપલ-આંબલી રોડ ઉપર મોડી રાતે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ઇનસેપ્તમ નામની બિલ્ડિંગમાં રિનોવેશન દરમિયાન ત્રીજા માળે દીવાલ ધરાશાયી થતાં એક મજૂર તેની નીચે દટાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ફાયર બ્રિગેડે કાટમાળ ખસેડી અને આ યુવકને બહાર કાઢ્યો હતો. જોકે, ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું. પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી આગળ હાથ કરી છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, બોપલ-આંબલી રોડ ઉપર ઇનસેપ્તમ નામના બિલ્ડિંગમાં એક દીવાલ ધરાશાયી થઈ છે અને એક વ્યક્તિ દટાયો છે. જેના પગલે બોપલ ફાયર સ્ટેશનના અધિકારી સાધનો સાથે પહોંચ્યા હતા. એક યુવક દીવાલના કાટમાળ નીચે દટાયેલો હતો તેને બહાર કાઢી અને હોસ્પિટલ મોકલ્યો હતો. ઇનસેપ્તમ નામની બિલ્ડિંગમાં રિનોવેશન ચાલતું હતું એ દરમિયાન આ ઘટના બની હતી. મૃતકનું નામ શ્યામલાલ ડોડિયા(ઉં.વ.30) છે. મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. દીવાલ કઈ રીતે ધરાશાયી થઈ તે અંગે પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.