તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીનને લઈને 3 ઓગષ્ટના રોજ કોર્ટમાં સુનાવણી થશે. આજે આ સુનાવણી થવાની હતી પરંતુ સરકારે એફિડેવિટ ફાઈલ કરી નહોતી. જેથી આ મામલે સુનાવણી હવે 5 દિવસ બાદ હાથ ધરવામાં આવશે.
તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. 20 જુલાઈએ રાત્રે તથ્યનો અકસ્માત થતા પ્રજ્ઞેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને લોકોને ધમકાવીને તથ્યને ત્યાંથી લઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે લોકોને ધમકાવવા મામલે તેમના પર કેસ કર્યો હતો, અગાઉ તથ્યના રીમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા પરંતુ પ્રજ્ઞેશ પટેલના રીમાન્ડ માંગવામાં ન આવતા તેને જ્યુડીસિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ જામીન માટે અરજી વકીલ મારફતે પ્રજ્ઞેશ પટેલે કરી હતી. જોકે, આજે રાજ્ય સરકાર તરફથી એફીડેવિટ ફાઈલ કરવામાં ન આવી હોવાથી આજે સુનાવણી થઈ શકી નહોતી. જેથી હવે જામીન મામલે સુનાવણી ટળતા 3 ઓગષ્ટના રોજ થશે.
તથ્ય પટેલ મામલે પોલીસે ચાર્જસીટ ફાઈલ કરી દીધી છે. ગઈકાલે જ આ ચાર્જસીટ ફાઈલ કરવામાં આવી છે. ત્યારે તથ્ય મામલે આગામી સમયમાં ઝડપી સુનાવણી થશે. જોકે, એ પહેલા તેના પિતાએ જામીન અરજી કરી હતી. જેથી આ મામલે સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલે પણ જેલમાં જ રહેવું પડશે.